છૂટાછેડા બાદ લાગી આવતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
મૂળ બંગાળના વતની અને હાલ સોની બજારમાં આવેલી બોઘાણી શેરીમાં રહેતા બંગાળી કારીગરે ત્રણ માસ પૂર્વે થયેલા છુટાછેડા મુદ્દે લાગી આવતા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી બંગાળી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
સોની બજારમાં આવેલી બોઘાણી શેરીમાં રહેતા ફેરઉલ કમલ માંડામુસ્લિમ બંગાળી નામનો 28 વર્ષનો યુવાન પોતાના રૂૂમે હતો ત્યારે સવારના આરસામાં લાકડાની આડીમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ વેસ્ટ બંગાળનો વતની હતો અને છેલ્લા છ વર્ષથી અહીં સોની કામ કરતો હતો. ત્રણ મહિના પહેલા જ છુટાછેડા થઈ ગયા બાદ યુવકને લાગી આવતા ગળેફાંસો ખાઇ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.