માધાપર ચોકડી પાસે યુવકનો ગૃહકલેશથી આપઘાતનો પ્રયાસ
અરડોઇમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ વખ ધોળ્યું
શહેરમા માધાપર ચોકડી પાસે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે રહેતા યશ નીતિનભાઈ પુજારા નામનો 29 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં અરડોઈ ગામે રહેતા રમેશ જયંતીભાઈ વસાવા નામનો 35 વર્ષનો યુવાન પોતાની વાડીએ હતો ત્યારે પત્ની સાથે રકઝક થતા તેને માઠું લાગી આવ્યું હતું. આવેશમાં આવેલા યુવાને ઝેરી દવા પી લીધી હતી. યુવકને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.