બાબરિયા કોલોની પાસે ચાલીને ચા પીવા જતો શ્રમિક યુવાન હાર્ટએટેકથી ઢળી પડ્યો
શહેરના કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાસે રહેતો પરપ્રાંતિય શ્રમિક યુવાન કારખાનામાં બુધવારની રજા હોવાથી આંટો મારવા નીકળ્યો હતો અને બાબરીયા કોલોની પાસે ચાલીને ચા પીવા હોટલે જતો હતો ત્યારે રસ્તામાં જ હાર્ટએટેક આવતાં ઢળી પડતાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ, મુળ બિહારનો વતની અને હાલ કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ અરવિંદ મણિયાર સોસાયટીમાં રહેતો સુરજીત રામલખન પંડીત (ઉ.39) નામનો યુવાન આજે બુધવાર હોવાથી કારખાનામાં રજા હોય જેથી આંટો મારવા માટે ગામમાં નીકળ્યો હતો. દરમિયાન બાબરીયા કોલોની શેરી નં.1માંથી ચાલીને હોટલે ચા પીવા માટે જઈ રહ્યો હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં તબીબો દ્વારા હાર્ટએટેક આવી જતાં મોત થયાનું જણાવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક સુરજીત બે બહેનોનો એકનો એક ભાઈ હોવાનું અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં ગંજીવાડા શેરી નં.24માં રહેતા શૈલેષભાઈ ગીગાભાઈ વાડોદરા (ઉ.45) નામના આધેડ આજે સવારે પોતાના ઘરે બિમારી સબબ બેભાન થઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક શૈલેષભાઈ બે ભાઈ બે બહેનમાં નાના અને છુટક મજુરી કામ કરતાં હોવાનું તથા તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.