4 દિવસ પૂર્વે જ વતનમાંથી આવેલા શ્રમિક યુવાનનું વીજશોકથી મોત
શાપર-વેરાવળમાં ચાર દિવસ પૂર્વે જ વતનમાંથી આવેલા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું વીજશોક લાગતા સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મલતી વિગત મુજબ મુળ બિહારનો વતની અને હાલ શાપર-વેરાવળ જીઆઈડીસીમાં મીલન ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં નોકરી કરતો અને ત્યાં જ રહેતો ટુમટુમ સિપાઈરામ હરજન (ઉ.વ.35) નામનો યુવાન ગઈ કાલે સવારે કંપનીમાં કામ કરતો હતો ત્યારે અકસ્માતે વીજશોક લાગતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી શાપર-વેરાવળ પોલીસને જાણ કરતા પોીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન પાંચ ભાઈમાં વચેટ અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. વધુ તપાસમાં તે હજુ ચાર દિવસ પહેલા જ બિહારથી પેટીયુ રળવા શાપર આવ્યો હતો પુત્રના મોતથી પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.