બાથરૂમમાં નાહવા ગયેલા કારખાનેદાર યુવાન અને મંદિરમાં દર્શનાથે આવેલા પ્રૌઢના એટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હરીધવા રોડ પર રહેતા કારખાનેદાર યુવાનનુ બાથરૂમમા અને રણુજા મંદિરમા દર્શને આવેલા પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હતુ.
જાણવા મળતી વિગત મુજબ હરીધવા રોડ પર આવેલી રેમ્બો રેસિડેન્સી શેરી નં.1માં રહેતો ધ્રુવીક રમણીકભાઇ ઠુમ્મર (ઉ.વ.26)નામનો યુવાન આજે સવારે પોતના ઘરે બાથરૂમમા ન્હાવા ગયો ત્યારે બાથરૂમમાં જ અચાનક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ધ્રુવીક બે ભાઇમાં નાનો અને કારખાને દાર હોવાનું જાણવા મળ્યુ છે. તબીબો દ્વારા હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયાનું પ્રાથમિક અભીપ્રાય આપ્યો હતો. યુવાનુ પુત્રના મોતની પટેલ પરિવારમાં શોક લાગણી છવાઇ જવા પામી છે.
જયારે બીજા બનાવમાં કોઠારીયા રોડ પર આવેલા રણુજા મંદિરમાં ગઇકાલે બપોરે દર્શને આવેલા અજાણયા પ્રૌઢ (ઉ.વ. આશરે 60) અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ કુલદિપ બાલાસરાએ હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ લોઠડા ગામે રહેતા હોવાનુ અને કારખાનામા કામ કરતા હોવાનુ જાણવા મળ્યું છે.