ઉપલેટા પાસે ડિવાઇડર ઓળંગતી વખતે ડમ્પરની ઠોકરે બાઇકસવાર યુવાનનું મૃત્યુ
ઉપલેટા શહેરના પોરબંદર હાઈવે પર મૂરખડા ગામના પાટીયા પાસે ડિવાઈડર ઓળંગતી વખતે મોટરસાયકલ ડમ્પર અડફેટે આવી જતા એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટા તાલુકાના નિલાખા ગામના અનુસૂચિત જાતિના રોહિત અરજણભાઈ વધેરા નામના 23 વર્ષીય યુવક ઉપલેટા થી નિલાખા ગામ રાત્રિના સમયે જઈ રહ્યો હોય એ દરમિયાન મૂરખડા ગામના પાટીયાથી હાઈવે પરના ડિવાઈડર ઓળંગતી વખતે ગફલતથી નીચે મોટરસાયકલ ઉતારી દેતા પૂરપાટ વેગે આવી રહેલા ડમ્પરમાં મોટરસાયકલ અથડાતા રોહિત વધેરાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક રોહિતને પોસ્ટમોર્ટમ અર્થે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે હાઇવે ઓથરીટી દ્વારા આ ગેરકાયદેસર ડિવાઇડર ઓળંગવાની સખ્ત મનાઈ ફરમાવવામાં આવેલ હોવા છતાં પણ ઝડપથી નિર્ધારિત સ્થળે પહોંચવા માટે થોડું ફરીને જવાને બદલે ડિવાઈડર તોડીને રસ્તો બનાવતા હોય છે ત્યારે આવી અનેક દુ:ખદ ઘટનાઓ સર્જાતી હોય છે ત્યારે લોકોએ પણ જાગૃત થવાની ખાસ જરૂર હોય. હાઇવે ઓથરીટી દ્વારા આવા ગેરકાયદેસર બનાવવામાં આવેલા રસ્તાઓ બંધ કરવામાં આવે છે તો પણ થોડા સમયમાં ફરીથી આ ડિવાઈડર તોડીને રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા હોય જે ખૂબજ જોખમ ભર્યું હોય. ગમે ત્યારે દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે. મૃતકના પરિવારજનો સાથે સગા સંબંધીઓ મોટી સંખ્યામાં કોટેજ હોસ્પીટલ ખાતે દુડી દોડી આવ્યા હતા અને આક્રંદ સાથે શોકનો માહોલ છવાયો હતો. ઉપલેટા પોલીસ કોટેજ હોસ્પિટલ ખાતે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.