લોધિકાના મેટોડામાં શ્રમિક પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત
પતિ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૂકી નાશી છૂટ્યો : કારણ અકબંધ
લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલ નીલકમલ પાર્કમાં રહેતી શ્રમિક પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્નીના મૃતદેહને પતિ સિવિલ હોસ્પિટલ ખાતે મૂકી નાસી છૂટતા પોલીસે નાસી છૂટેલા પતિની શોધખોળ અને પરિણીતાના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે. લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલ નિલકમલ પાર્કમાં રહેતી રીનાબેન દુધીચીકુમાર જાટવ નામની 27 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી.
ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો પરિણીતાને તાત્કાલિક સારવાર માટે પતિ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને પહોંચ્યો હતો જ્યાં તબીબે મૃત જાહેર કરતા પતિ દધીચીકુમાર જાટવ પત્ની રીનાબેનના મૃતદેહને હોસ્પિટલમાં મૂકીને નાસી છૂટ્યો હતો પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાના અઢી વર્ષ પહેલા લગ્ન થયા હતા અને પરિણીતા પતિ સાથે છેલ્લા બે વર્ષથી મેટોડામાં રહેતી હતી અને તેણીને સંતાનમાં એક પુત્રી છે. મેટોડા પોલીસે પત્નીના મૃતદેહને તરછોડી નાસી છૂટેલા પતિની શોધખોળ હાથ ધરી પરિણીતાના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.