નવાગામ (આણંદપર)માં મકાનની દિવાલ ધરાશાયી થતાં વીડિયો કોલમાં વાત કરતો શ્રમિક દબાઇ જતાં મોત
શહેરમાં મોરબી રોડ પર રહેતો અને મકાન પાડવાની મજુરી કામ કરતા યુવક પર નવાગામે મકાનની દિવાલ પડતા મોત નિપજયુ હતુ. બનાવને પગલે કુવાડવા પોલીસે તપાસ કરતા યુવક વિડીયો કોલ કરી વાત કરતો હતો અને આ બનાવ બન્યો હોવાનુ બહાર આવ્યુ હતું.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર બજરંગ પાર્ક પાસે ઝુપડામાં રહેતો અને મુળ એમપીનો પ્રકાશ માનસીંગ મેડા (ઉ.23) નવાગામ (આણંદપર) હતો ત્યારે મકાનની દિવાલ માથે પડતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો જેનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા કુવાડવા પોલીસ મથકના જમાદાર ક્રિપાલસિંહ સહીતના સ્ટાફે તપાસ કરી હતી. જેમા મૃતક પ્રકાશ છેલ્લા બે દિવસથી મકાન પાડવાનુ કામ કરતા હર્ષદભાઈ સાથે કામ કરતો હતો. દરમ્યાન આજે કામ કરતી વેળાએ વિડીયો કોલમાં વાત કરતો હતો તે દરમ્યાન દિવાલ અચાનક તેની માથે પડતા દબાઈ ગયાનુ બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં કુવાડવાના જારીયા ગામે રહેતી રેખાબેન મુકાનભાઈ મેવાડી નામની 19 વર્ષની શ્રમિક યુવતીએ ત્રણ દિવસ પૂર્વે વાડીએ હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવતીનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક યુવતી એક ભાઈ ત્રણ બહેનમાં નાની હતી અને છેલ્લા એક વર્ષથી પરિવાર સાથે મધ્યપ્રદેશથી જારીયા ગામે ખેતી કામ માટે આવી હોવાનું જાણવા મળ્યું છે ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.