જાત્રાએ જતાં લોધિકાની મહિલાનું ચાલુ ટ્રેને ચડવા જતાં પટકાતા મોત
લોધિકાના મહિલા પરિવાર સાથે ગોકુળ મથુરા જાત્રાએ જતાં હતાં ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં અકસ્માતે હાથમાં હેન્ડલ છુટી જતાં નીચે પટકાતા ગંભીર ઈજા થવાથી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, લોધિકાના રામ મંદિર મેઈન રોડ નજીક વત્સલ હાઉસ સોસાયટીમાં રહેતા અલ્કાબેન પંકજભાઈ ત્રિવેદી(ઉ.વ.50)નામના મહિલા ગઈકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યા આસપાસ રાજકોટ રેલવે સ્ટેશન પર હતા ત્યારે રાજકોટથી વિરમગામ જતી ચાલતી ટ્રેનમાં બેસવા જતી વેળાએ ધક્કામુક્કીમાં હાથમાંથી હેન્ડલ છૂટી જતાં નીચે પટકાવાથી માથે અને શરીરે ગંભીર ઈજા પામતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ટૂંકી સારવારમાં મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે રેલવે પોલીસ મથકને જાણ કરતાં પોલીસે જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અલ્કાબેન ત્રિવેદી પરિવાર સાથે ગોકુળ-મથુરા ખાતે જવા માટે નીકળ્યા હતા. રાજકોટથી વિરમગામ જતી ચાલતી ટ્રેનમાં બેસવા જતી વેળાએ ધક્કામુક્કીમાં હાથમાંથી હેન્ડલ છૂટી જતા નીચે પટકાવાથી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવારમાં પ્રૌઢાનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલા એક ભાઈ અને ચાર બહેનોમાં સૌથી નાના હતા. તેઓને સંતાનમાં બે દીકરા અને પતિ કર્મકાંડનું કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે.