વાવડીના કારખાનામાં માલવાહક લિફટ અને સ્લેબ વચ્ચે આવી જતાં મહિલાનું મોત
લિફટના સળિયા કાપીને લાશને બહાર કાઢી: ઓનલાઈન વસ્તુ પેકેજિંગના કારખાનામાં બનાવ: ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની
શહેરની ભાગોળે 150 ફુટ રીંગ રોડ પર વાવડીમાં ઓનલાઈન વસ્તુ પેકેજીંગના કારખાનામાં કામ કરતાં શ્રમિક મહિલા, માલવાહક લીફટમાં ઉપર જતાં હતાં ત્યારે લીફટ અને સ્લેબ વચ્ચે ફસાઈ ગયા હતાં જેથી ફાયરબ્રિગેડના સ્ટાફે દોડી જઈ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી મહિલાને બહાર કાઢવામાં આવ્યા હતાં. તે પહેલા જ મહિલાનું માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, વાવડી વિસ્તારમાં મારૂતિ ઈન્ડસ્ટ્રીઝ શેરી નં.1માં આવેલા એડીશન એન્ટરપ્રાઈઝ નામના ઓનલાઈન વસ્તુ પેકેજીંગ કરવાના કારખાનામાં કામ કરતાં ગીતાબેન રમેશભાઈ દયાતર (ઉ.41) નામના મહિલા આજે સવારે માલવાહક લીફટમાં ઉપર જઈ રહ્યા હતા ત્યારે તેઓ નીચે કોઈ સાથે વાત કરતાં હોય અને લીફટ ચાલુ હોય દરમિયાન લીફટ અને સ્લેબ વચ્ચે માથુ આવી જતાં તેઓ ફસાઈ ગયા હતાં બનાવને પગલે હાજર કર્મચારીઓએ તાત્કાલીક લીફટનો પાવર બંધ કરી દીધો હતો. પરંતુ લીફટ અધવચ્ચે અટવાઈ ગઈ હોય જેથી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં મવડી ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક મીની ફાયર ફાઈટર સાથે દોડી ગયો હતો અને લીફટમાં ફસાયેલા મહિલાનું રેસ્કયુ કરી તેને બહાર કાઢવામાં આવ્યા હતાં. જો કે મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેઓ બેભાન હાલતમાં હોય 108ના સ્ટાફે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પી.બી.ત્રાજીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાનું નામ ગીતાબેન રમેશભાઈ દયાતર (ઉ.42, રહે.પુનિતનગર પાણીના ટાંકા પાસે વિશ્ર્વકર્મા સોસાયટી શેરી નં.10) હોવાનું અને તેઓ વિધવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મુળ વેરાવળના પ્રાંચીના હોવાનું અને તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.