પતિની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દેતી પત્ની
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામે બે દિવસ પહેલા ઘર ખર્ચના પૈસા બાબતે આદિવાસી દંપતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલ પતિએ પત્નીને ફાડાકો ઝીંકી દીધો હતો. જેના કારણે રોષે ભરાયેલી પત્નીએ અંધારાનો લાભ લઈ પતિના ગળામાં દાંતરડાનો ઘા ઝીંકી દઈ ઠંડા કલેજે હત્યા કર્યા બાદ લાશ તળાવમાં ફેંકી દીધી હતી. જો કે પતિની હત્યા કર્યા બાદ પત્નીએ વાડી માલીક પાસે હિસાબ કરવાનું કહી હઠ પકડતા વાડી માલિકને શંકા જાગી હતી અને પોલીસને જાણ કરતાં હત્યાનો ભેદ ખુલ્યો હતો.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, પડધરીનાં થોરીયાળી ગામે રહેતા વાડી માલીક બાબુભાઈ રવજીભાઈ કોટડીયાએ પોલીસ સમક્ષ પોતાની વાડીમાં છેલ્લા આઠ મહિનાથી ખેત મજુરી કરતાં મુળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના જુરલો ઉર્ફે દિલો કેતનાભાઈ પસાયા (ઉ.35) નામના આદિવાસી યુવાને બે દિવસથી લાપત્તા હોવાની પોલીસને જાણ કરી હતી.
આદિવાસી યુવાન બે દિવસથી લાપત્તા હોવાની જાણ થતાં પડધરી પીએસઆઈ ગજેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ આદિવાસી યુવાનની પત્ની આશાબેનની આગવીઢબે પુછપરછ કરતાં તેણે જ બે દિવસ પહેલા પતિની ઠંડાકલેજે હત્યા કરી લાશને વાડી નજીક આવેલ તળાવમાં ફેંકી દીધાની કબુલાત આપી હતી. જેના આધારે પોલીસે લાશનો કબજો મેળવી ફોરેન્સીક પોસ્ટ મોટર્મ અર્થે રાજકોટની મેડીકલ કોલેજમાં મોકલી આપ્યો છે.
પોલીસની પુછપરછમાં આદિવાસી યુવાન જુરલો ઉર્ફે દિલો તેની પત્ની અને છ બાળકો સાથે છેલ્લા આઠ મહિનાથી વાડીમાં રહી ખેતમજુરી કરતાં હતાં. ગત તા.7-2-24નાં સાંજે ઘર ખર્ચ બાબતે પતિ પત્ની વચ્ચે ઉગ્રબોલાચાલી થતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ફડાકા ઝીંકી દીધા હતાં. ત્યારબાદ ઝુપડામાં લાઈટ ન હોય મોકાનો લાભ લઈ ખાટલા પર બેઠેલા પતિને ગળાના ભાગે પત્નીએ દાંતરડાનો ઘા ઝીંકી દઈ તેનું ઢીમ ઢાળી દીધું હતું.
પતિની ઠંડા કલેજે હત્યા કર્યા બાદ પત્નીએ લાશને રાત્રિનાં જ વાડી પાસે આવેલ તળાવમાં ઢસળીને ફેંકી આવી હતી અને જાણે કાંઈ બન્યું ન હોય તેમ બીજા દિવસે વાડી માલિક પાસે ‘અમને અહિં ગમતું નથી અમારે વતન જવું છે, હિસાબ કરી આપો’ તેવી જીદ પકડી હતી જેના કારણે કંઈક અજુગતું બન્યાની શંકાએ વાડીમાલીક બાબુભાઈ કોટડીયાએ પડધરી પોલીસને ગઈકાલે જાણ કરતાં હત્યાની ઘટના પરથી પડદો ઉચકાયો હતો.
આ બનાવ અંગે પડધરી પોલીસે પત્ની સામે હત્યાનો ગુનો નોંધી પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી આરોપી પત્નીની ધરપકડ કરી છે. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે આદિવાસી દંપતિને સંતાનમાં ચાર દિકરા અને બે દિકરી હોવાનું અને જ્યારે મૃતક યુવાન છ ભાઈ એક બહેનમાં સૌથી નાનો હોવાનું જાણવા મળ્યું છે.