ગોંડલના ગુંદાળામાં બે વર્ષના માસૂમનું રમતા રમતા પાણીની ડોલમાં ડૂબી જતાં મોત
લીંબડીના પરનાળા ગામથી પેટિયું રળવા આવેલા પરિવારે એકનો એક પુત્ર ગુમાવતા કલ્પાંત
લીંબડીના પરનાળા ગામનો વતની અને હાલ ગોંડલના ગુંદાળા ગામે કારખાનામાં કામ કરતાં પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી ગયો હતો.
માસુમ બાળકનું ડૂબી જવાથી બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ લીંબડીના પરનાળા ગામના વતની અને હાલ ગોંડલના ગુંદાળા ગામે આવેલી ઉર્જા પ્રોટીનમાં કામ કરતાં પરિવારનો ભાવેશ દિલીપભાઈ ઝાપડીયા નામનો બે વર્ષનો માસુમ બાળક ગત તા.17નાં રોજ રમતો હતો ત્યારે રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પટકાયો હતો. માસુમ બાળક પાણીની ડોલમાં ડૂબી જતાં વધુ પડતું પાણી પી જતાં બે ભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં માસુમ બાળકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ માસુમ બાળકે હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો. માતા પિતાના આધાર સ્તંભ એકના એક પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.