પડધરીના નાના ઈટાળામાં બે વર્ષની બાળાનું સર્પ દંશથી મોત
જેતપુરમાં રમતા રમતા અગાશી પરથી પટકાયેલી બે વર્ષની બાળકીએ દમ તોડયો
પડધરીના નાના ઈટાળા ગામે રહેતા પરિવારની બે વર્ષની માસુમ બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે ઝેરી સાપે દંખ માર્યો હતો. માસુમ બાળકીને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળાનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરી તાલુકાના નાના ઈટાળા ગામે રહેતા પરિવારની જાન્વીબેન ભરતભાઈ કુકાવા નામની બે વર્ષની માસુમ બાળકી પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે ઝેરી સાપ કરડી જતાં માસુમ બાળકીને ઝેરી અસર થતાં બેશુધ્ધ હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં જેતપુરમાં ફુલવાડી વિસ્તારમાં રહેતા પરિવારની ધ્વની વિપુલભાઈ કારેલીયા નામના પોણા બે વર્ષની માસુમ બાળકી પોતાના ઘરે રમતી હતી ત્યારે અકસ્માતે અગાશી પરથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. માસુમ બાળકીને તાત્કાલીક સારવાર માટે ખાનગી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.