For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જન્માષ્ટમી પૂર્વે 7 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

04:03 PM Aug 16, 2024 IST | Bhumika
જન્માષ્ટમી પૂર્વે 7 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
Advertisement

કુવાડવા નજીક લાકડાંની આડમાં દારૂનું કટિંગ થાય તે પહેલા પોલીસનો દરોડો, ચાલક ફરાર

જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે. ત્યારે પ્યાસીઓની પ્યાસ બૂજાવવા માટે બુટલેગરો સક્રિય થતા પોલીસે પણ દારૂની હેરાફેરી ઉપર વોચ ગોઠવી દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે કુવાડવા નજીક મઘરવાડા ગામ પાસેથી સાત લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. કુવાડવા રોડ પોલીસને બાતમી મળતા દારૂનું કટીંગ થાય તે પૂર્વે જ દરોડો પાડી 7 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ રૂા.27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આરોપી ટ્રક ચાલક નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, તહેવારો પૂર્વે શહેરમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ કમિશનર બ્રઝેશ કુમાર ઝાની સૂચના અનુવયે કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ બી.પી.રજયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.જે.વરુ, એએસઆઇ ખોડુભા જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન કુવાડવા નજીક મઘરવાડા સ્મશાન પાસે એક ટ્રકમાં લાકડાની પટ્ટીઓની આડમાં દારૂનું જથ્થો લાવી કટીંગ કરવાના હોય. તેવી ચોક્કસ બાતમી મળતા પોલીસે તાત્કાલીક સ્ટાફ સાથે દોડી જઇ દરોડો પાડતા ટ્રકમાં લાકડાની પટ્ટીઓ ભરેલા બાચકા નીચે છૂપવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં દારૂની અલગ-અલગ કંપનીની બોટલ નંગ.1176 તથા ચાપલા નંગ.1056 મળી કુલ રૂા.6.93 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે પંજાબ પાર્સીગના ટ્રકનો ચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે પોલીસે દારૂ, ટ્રક અને લાકડાની સિટ્ટો ભરેલા બાચકાઓ મળી કુલ રૂા.27,01,600નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર થઇ ગયેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

અન્ય ચાર દરોડામાં દારૂ-બીયર સાથે ચાર ઝડપાયા

શહેરના મવડી વિસ્તારમાં આવેલા ચંદ્રેશનગર શેરી નં.8માંથી પોલીસે અજય હરિલાલ પરમાર નામના શખ્સને વિદેશી દારૂની 15 બોટલ સાથે ઝડપી લીધો હતો. બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચની ટીમે રૈયાધાર સ્લમ ર્ક્વાટર પાછળ ઓરડીમાં દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ.80 અને બિયરના ટીન નંગ.72 મળી કુલ રૂા.7900નો દારૂ-બિયરનો જથ્થો કબ્જે કરી આરોપી પ્રતાપસિંહ સુખદેવસિંહ જાડેજા (રહે.નહેરુનગર) ની ધરપકડ કરી દારૂ અને ઇકો કાર મળી કુલ રૂા.3.90 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો. જ્યારે આરોપી હાર્દિક સભાડનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. ત્રીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાસેથી નિલેશ પ્રવિણભાઇ બારડ નામના શખ્સને દારૂના 40 ચપલા સાથે ઝડપી લીધો હતો. જ્યારે માલવીયાનગર પોલીસે 150 ફૂટ રીંગ રોડ પર ખોડીયારનગર પાસેથી કરણસિંહ ઘનશ્યામસિંહ જાડેજાની 16 બોટલ દારૂ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવાગામ પાસેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી લીધી

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર નવાગામ પાસેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પીછો કરતા દારૂ ભરેલી કાર વીજપોલ સાથે અથડાતા તેનો અકસ્માત સર્જાયો હતો. એલસીબી ઝોન-1ના પીએસઆઇ બી.વી.બોરીસાગર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન કુવાડવા ગામ તરફથી સ્કોર્પીયો કારમાં વિદેશી દારૂ ભરી આવતો હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે કુવાડવા રોડ પર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર હંકારી મૂકી હતી. જેથી પોલીસે દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરતા નવાગામ આણંદપરમાં આવેલા દિવેલીયાપરા રોડ પર સ્મશાન પાસે કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પીજીવીસીએલના વીજપોલ સાથે અથડાતા વીજપોલ પાડી ગયો હતો અને કારનું ટાયર ફાડી જતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે દોડી જઇ કારમાં બેઠેલા જયંતિ રાઘવભાઇ ચૌહાણ (રહે.નવાગામ રંગીલા સોસાયટી) અને સંજય ધીરૂભાઇ ગણદીયા (રહે.સતંકબીર રોડ)ને ઝડપી લઇ કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ.72 કિમત 43200 મળી આવતા પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂા.4.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંન્ને આરોપીની ધરપકડ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement