બેડીમાં ટ્રાન્સફોર્મરમાં અવરલોડથી ભડકો થતા આગ લાગી: દોડધામ
સ્પાર્ક બાદ ઓઇલ ઢોળાઇ જવાના કારણે બનેલો બનાવ
જામનગરના બેડી ઈદ મસ્જિદ રોડ પર આવેલા એક વીજ પોલમાં ઓવરલોડ થવાના કારણે પાંચ કે. વી. એ.ના ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. બપોરે દોઢ દોઢ વાગ્યાના અરસામાં ટ્રાન્સફોર્મર ના સ્પાર્ક થયા પછી તેમાંથી ઓઇલ ઢોળાયું હોવાના કારણે આગ લાગવાથી થાંભલા પર વાયરો વગેરે સળગવા લાગ્યા હતા. જે બનાવ અંગે વિજ કચેરીને જાણ થતાં પટેલ કોલોની સબ ડિવિઝન ની વિજ ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ ઉપરોક્ત થાંભલા પર જતો વીજ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરી દીધો હતો, ત્યારબાદ ફાયર બ્રિગેડને ફોનથી જાણ કરી હતી.આથી બેડેશ્વર ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગ બુજાવી દીધી હતી.
કોઈ વ્યક્તિ દ્વારા લંગરીયું નાખ્યું હોવાના કારણે ઓવરલોડ થઈ ગયો હોવાથી સ્પાર્ક થયો હોવાનું અને તેના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરાયું છે. હાલ પૂરતો પાંચ કનેક્શનનો વિજ પુરવઠો બંધ થયો છે. જેની મરામતની કામગીરી ચાલી રહી છે.