લોકસભાની ચૂંટણી માટે એકસાથે 30 જાહેરનામા
- જિલ્લા કલેકટરના આદેશથી જયુડિશિયલ બ્રાંચ દ્વારા શરૂ કરાઈ તૈયારી : રવિવારથી જ જાહેરનામાનો અમલ શરૂ કરાશે
લોકસભાની ચૂંટણીની જાહેરાતને ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં આવતીકાલે ચૂંટણી જાહેર થતાની સાથે જ જયુડીશ્યલ વિભાગ દ્વારા ચૂંટણીને લગતાં એક સાથે 30 જાહેરનામા બહાર પાડવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને રવિવારથી જ આ જાહેરનામાની અમલવારી શરૂ કરી દેવાશે.
લોકસભાની ચૂંટણીની જાહેરાત માટે આવતીકાલે દિલ્હી ખાતે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે ત્યારે ચૂંટણી જાહેર થતાની સાથે જ ચૂંટણીની કામગીરીને લગતાં 30 જેટલા જાહેરનામા તૈયાર કરવા જિલ્લા કલેકટર પ્રભવ જોષી, આર.ડી.સી. ચેતન ગાંધી અને ચૂંટણી અધિકારી નારણ મુછાર દ્વારા જયુડીશ્યલ વિભાગને તૈયારીઓ કરવા આદેશ આપી દીધા છે.
લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ જ્યુડીશ્યલ દ્વારા રાજકોટ જિલ્લામાં હથિયારબંધી, ચાર વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ, મતદાન મથક તેમજ મતગણતરી કેન્દ્ર અને ઈવીએમ વેર હાઉસ સહિતના સ્થળોએ 144ની કલમ અમલમાં મુકવા માટેના જાહેરનામા તૈયાર કરવામાં આવી રહ્યાં છે.વધુમાં જાણવા મળ્યા પ્રમાણે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ મંજુરી વગર સભા સરઘસ પર પ્રતિબંધ, મતદાનના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ અને પરવાના ધારકોને પોતાના હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા સહિતના જાહેરનામા બહાર પાડવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.