જોખમી પ્રસુતી કરી પ્રસુતાને નવજીવન આપતી ઝનાનાની ટીમ
રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ગોંડલની એક પ્રસુતાને પ્રસુતી માટે ખસેડવામાં આવી હોય જેને પ્રસુતીના સમયના ત્રણ દિવસ ઉપર સમય થઈ ગયો હોય ત્યારે આ ગંભીર અને જોખમી કેસમાં ઝનાના હોસ્પિટલની ટીમે તાત્કાલીક સારવાર કરી આ પ્રસુતા અને તેના બાળકનો જીવ બચાવી બન્નેને નવજીવન આપ્યું હતું. સામાન્ય સંજોગોમાં આવા કેસમાં જ્યારે બચવાના એક ટકા ચાન્સ હોય છે ત્યારે ઝનાના હોસ્પિટલની ટીમે બાળક અને પ્રસુતા બન્નેને હેમખેમ ઉગારી લીધા હતાં.
આજે સિવિલ હોસ્પિટલના ઝનાના હોસ્પિટલના તબીબોની ટીમે પત્રકાર પરિષદ કરી આ અંગેની માહિતી આપી હતી. જેમાં જણાવ્યું કે ગત તા.14-7ના રોજ ગોંડલના ગીતાબેન જયદેવભાઈ નામની 27 વર્ષિય મહિલા ઝનાના હોસ્પિટલ ખાતે પ્રસુતી માટે દાખલ થઈ હતી. જેને પ્રસુતીના આપેલા દિવસો કરતાં ત્રણ દિવસ વધુ થઈ ગયા હોય ત્યારે સારવાર દરમિયાન તેને દાખલ કરવામાં આવી ત્યારે તમામ રિપોર્ટ નોર્મલ હતાં પરંતુ પ્રસુતી વેળાએ તેની તબિયત બગડી હતી અને આ પ્રસુતાને નોર્મલ પ્રસુતી થાય તે માટે ડોકટર હેમાલી બેનર્જી અને તેમની ટીમે પ્રયાસો શરૂ કર્યા હતાં. બીજી તરફ પ્રસુતાને શ્ર્વાસ લેવામાં તકલીફ અને બ્લડ પ્રેસર વધી ગયું હતું. તેમજ પ્રસુતી વખતે વધારે પડતું બીલીડીંગ થતું તેની સ્થિતિ બગળી હતી.
જેને લઈને ઝનાના હોસ્પિટલના તબીબો ઉપરાંત એનેથેસ્ટીક ડોકટર, નેફ્રોલોજીસ્ટ અને ફીઝીશ્યન સહિતની ટીમ હાજર રહી હતી અને આ મહિલાને નોર્મલ ડિલેવરી બાદ આ ગંભીર સ્થિતિમાંથી ઉગારી લેવામાં આવી હતી.ઝનાના હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે સામાન્ય સંજોગોમાં આવા કેસમાં ખાનગી હોસ્પિટલમાં જ્યારે આવા કેસમાં 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે જે સારવાર ઝનાના હોસ્પિટલમાં નિ:શુલ્ક કરવામાં આવી હતી. 17 દિવસ સુધી સારવાર બાદ આ મહિલાને રજા આપવામાં આવી હતી. મહિલા અને બાળક બન્ને સ્વસ્થ બન્યા હતાં. જેના માટે ઝનાના હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ સહિત 15ની ટીમનોં આભાર માન્યો હતો. આવા કેસમાં બચવાના ચાન્સ માત્ર એક ટકા હોય ત્યારે ઝનાના હોસ્પિટલની ટીમે મહિલા અને બાળકને નવજીવન આપ્યું હતું.