ધો.4ના છાત્રને ટેન્કરચાલકે કચડી નાખ્યો
સંત કબીર રોડ પર બનેલી ઘટના: સ્કૂલેથી સાઈકલ લઈ ઘરે જતાં 12 વર્ષના તરુણને કાળ ભેંટ્યો
7 માસ પૂર્વે ટેન્કર અડફેટે બાઈક સવાર પિતા-પુત્રના મોત નીપજ્યા’ તા તે જ પ્રતિબંધ વિસ્તારમાં ફરી જીવલેણ અકસ્માત સર્જાયો
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ છાશવારે જીવલેણ અકસ્માત સર્જાતા હોવાની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. જ્યારે સંતકબીર રોડ ઉપર ભગીરથ સોસાયટીમાં રહેતા અને ધો. 4માં અભ્યાસ કરતો 12 વર્ષનો વિદ્યાર્થી રણછોડનગરમાં અભ્યાસ કરી સાયકલ લઈ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે સંતકબીર રોડ ઉપર દુધેશ્ર્વર મહાદેવના મંદિર પાસે ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ધો. 4ના છાત્રને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સંતકબીર રોડ ઉપર આવેલ ભગીરથ સોસાયટીમાં રહેતા અને રણછોડનગરમાં આવેલી શાળા નં. 15માં અભ્યાસ કરતો પવન રામનિહોરે નિશાદ નામનો 12 વર્ષનો તરૂણ સ્કૂલમાં અભ્યાસ કરી પોતાની સાયકલ લઈને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે બપોરના સમયે સંત કબીર રોડ ઉપર દુધેશ્ર્વર મહાદેવના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલા કજીજે 3 એટી 3015 નંબરના ટેન્કર ચાલકે પવન નિશાદની સાયકલને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ટેન્કર મુકી નાશી છૂટ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પવન નિશાદનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. તરૂણના મોતથી શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. આ અંગે જાણ થતાં બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી તરૂણના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
આ અંગે પ્રાથમિક પુછપરછમાં મૃતક પવન નિશાદનો પરિવાર મુળ ઉત્તર પ્રદેશનો વતની છે અને તેના પિતા અહીં ઈમીટેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પવન નિશાદ ત્રણ ભાઈ બે બહેનમાં મોટો હતો અને રણછોડનગરમાં આવેલી શાળા નં. 15માં ધો. 4 માં અભ્યાસ કરતો હતો. પવન નિશાદ સ્કૂલેથી છૂટીને સાયકલ લઈને ઘરે જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માત સર્જી ટેન્કર મુકી નાશી છુટેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.