ફિઝિક્સ ભવનના છાત્રએ રોજનું 35 કરોડ લિટર પાણી બચાવતી ઓટો વોટર ફિલિંગ સિસ્ટમ બનાવી
નવી દિલ્હી ખાતે વિઝન ફોર વિકસિત ભારત પરિસંવાદમાં સાહિલ રાઠોડનું કરાયુ સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ભૌતિકશાસ્ત્ર ભવન સમાજ ઉપયોગી સંશોધનો કરવાના ક્ષેત્રે સતત કાર્યરત છે. શિક્ષણ અને સંશોધન પુસ્તકો તેમજ લેબોરેટરી સુધી સિમિતન રહેતા વાસ્તવિક સમસ્યાનું સમાધાન લાવી શકે તેવા અભિગમ સાથે ભૌતિક શાસ્ત્ર ભવનમાં સંશોધન કાર્ય થતું રહે છે. સાંપ્રત સમયમાં પાણીનો વ્યય અને બગાડ ખૂબ જ જટિલ સમસ્યા છે. પાણીનો વ્યય અટકાવવાના એક પ્રયાસ સ્વરૂૂપ ભૌતિકશાસ્ત્ર ભવનના એમ.એસ.સી ફિઝિકસના વિદ્યાર્થી સાહિલ રાઠોડે ઓટો વોટર ફિલિંગ સિસ્ટમ ડિઝાઇન કરી છે.
જેના દ્વારા પ્રતિદિન આશરે 35 કરોડ લિટર પાણી બચાવી શકાશે. ઓટો વોટર ફિલિંગ સિસ્ટમ એ એક આદર્શ તકનીકી છે જે વિવિધ ક્ષેત્રોમાં પાણીના વિતરણને સ્વચાલિત કરીને રોજનું આશરે 35 કરોડ લિટર તેમજ પ્રતિવર્ષ 12,775 કરોડ લિટરથી વધુ પાણી બચાવી શકે તેમ છે. સાહિલ આ પ્રોજેકટ પર છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યા છે. તા. 13-10-2024 ના રોજ આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલ વિઝન ફોર વિકસિત ભારત સંમેલનમાં આ પ્રોજેકટ માટે સાહિલને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઓટો વોટર ફિલિંગ સિસ્ટમને પ્રમાણમાં ખૂબ ઓછા ખર્ચે બનાવી શકાય છે તેમજ તેનું સંચાલન પણ ખુબ સરળ છે. શહેરી રહેઠાણ વિસ્તારથી લઈને ગ્રામ્ય કૃષિ ક્ષેત્રોમાં પણ ઇમ્પલિમેન્ટ કરી શકાશે. ભવિષ્યમાં આ સિસ્ટમને જો મોટા પાયે ઈમ્પલિમેન્ટ કરવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય અટકે તેવી શક્યતાઓ છે.
નવી દિલ્હી ખાતે નવેમ્બર 2024 દરમિયાન યોજાનાર વિઝન ફોર વિકસિત ભારત કોન્ફરન્સ માટે સાહિલનો આ પ્રોજેકટ પસંદગી પામ્યો છે જે ભવન માટે ખૂબ ગૌરવની બાબત છે. સાહિલની આ સિદ્ધિ બદલ ભવનના અધ્યક્ષ પ્રોફેસર નિકેશ શાહ, ભવનના પ્રાધ્યાપકો તેમજ સ્ટાફ મેમ્બર્સે શુભેચ્છાઓ પાઠવી છે.