રાજકોટથી વહેલી ઉપડતી જામનગરની લોકલ બસને ઇન્ટરસિટી કરી નાખતા રઝળતા પેસેન્જર
બ્લુકલરનું બોર્ડ મારી ડ્રાઇવર-કંડકટર મનમાની કરતા હોવાની મુસાફરોની રાવ
રાજકોટથી દરરોજ વહેલી સવારે પાંચ વાગ્યે બ્લુ બોર્ડ લગાવીને ઉપડતી રાજકોટ જામનગર રૂૂટની બસમાં આ ઇન્ટરસિટી બસ છે રાજકોટથી ડાયરેકટ જામનગરના પેસેન્જર હોય તે જ બેસજો તેમ કહીને ગ્રામ્ય મુસાફરોને બેસાડવામાં નહીં આવતા હોવાની ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થયાનું જાણવા મળે છે.
વિશેષમાં મુસાફર જનતાએ જણાવ્યું હતું કે, સવારે પાંચ વાગ્યે ઉપડતી રાજકોટ-જામનગર રૂૂટની બસમાં બ્લુ બોર્ડ લગાવીને જતી બસમાં રાજકોટથી જામનગર રોડ ઉપર આવતાં ગામડાંના દર્દી કે મુસાફરોને ડ્રાઈવર કંડકટર દ્વારા બસ લેવામાં આવતા નથી અને ઇન્ટરસિટી બસ છે તેથી ડાયરેક્ટ જામનગરના જ મુસાફરો બેસજો એવો જવાબ આપવામાં આવે છે.
મુસાફરોએ ડ્રાઇવરને રજૂઆત કરતાં તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજો એવુ કહેવા સાથે અમે મંજૂરીથી જ ઇન્ટરસિટી ચલાવીએ છીએ એવો જવાબ આપવામાં આવ્યો હોવાનું મુસાફરોએ ઉમેર્યું હતું. આ મામલે નિગમના મેનેજિંગ ડિરેકટર સુધી ફરિયાદ થયાનું તેમજ મુસાફરોએ સોશ્યલ મીડિયામાં આ અંગેની ફરિયાદ ફરતી કરતી હોવાની પણ ચર્ચા છે.
દરમિયાન આ મામલે ડેપો મેનેજરથી લઇને વિભાગીય નિયામક સુધીના અધિકારીઓ દરમિયાનગીરી કરે અને ગ્રામ્ય મુસાફરોને પણ વહેલી સવારની એસટી બસમાં બેસાડવામાં આવે તેવી પ્રબળ માંગ મુસાફરોમાંથી ઉઠવા પામી છે.