શહેરમાં ગેરકાયદેસર લેબોરેટરીનો રાફડો ફાટ્યો ?
દર્દીના જીવન સાથે બેરોકટોક થતા ચેડા રોકવા આરોગ્ય તંત્ર જાગશે ?
જામનગર સહી રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે એનેક ગંભીર સમસ્યાઓ સામે આવી છે. જામનગર સહીત રાજ્યભરમાં હજારોની સંખ્યામાં ગેરકાયદેસર લેબોરેટરીઓ ધમધમી રહી છે. આ લેબોરેટરીઓ કોઈપણ પ્રકારના નિયમન વિના ચાલી રહી હોવાથી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે સીધો ચેડો થઈ રહ્યો છે.
આ ગેરકાયદેસર લેબોરેટરીઓમાં મોટાભાગે અનુભવી ન હોય તેવા લોકો દ્વારા પરીક્ષણો કરવામાં આવે છે. જેના કારણે રિપોર્ટમાં ભૂલો થવાની શક્યતા વધી જાય છે. આના કારણે દર્દીઓને ખોટી દવાઓ મળવાની સંભાવના રહે છે અને તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.
આ ગેરકાયદેસર લેબોરેટરીઓ અને કેટલાક તબીબો વચ્ચે ગાઢ સંબંધ જોવા મળે છે. આ તબીબો પોતાના દર્દીઓને ફક્ત એવી જ લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવા માટે કહે છે જ્યાં તેમને વધુ કમિશન મળે. આ માટે તેઓ ઘણીવાર દર્દીઓ પર દબાણ પણ કરે છે. આ રીતે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને આ તબીબો અને લેબોરેટરીઓ પોતાના ફાયદા માટે કામ કરી રહ્યા છે.
આ ઉપરાંત, ઘણીવાર લેબોરેટરીના રિપોર્ટમાં ડોક્ટરની સહી ડિજિટલ રીતે કરવામાં આવે છે. આ રીતે ઘણા બનાવટી રિપોર્ટ બનાવવામાં આવે છે. આનાથી દર્દીઓને ખોટી સારવાર મળવાની શક્યતા વધી જાય છે. આ રીતે દર્દીઓનું શારીરિક તેમજ આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર લેબોરેટરીઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હોવા છતાં, ગુજરાતમાં આ પ્રવૃત્તિ હજુ પણ ચાલુ છે. છેલ્લા 18 વર્ષથી આ ક્ષેત્રમાં કોઈ નોંધપાત્ર કાર્યવાહી થઈ નથી. આનો અર્થ એ થાય કે, સરકારી તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઈ રહ્યું નથી.
ગુજરાતમાં ગેરકાયદેસર લેબોરેટરીઓનો રાફડો ફાટ્યો હોવાની સ્થિતિ ગંભીર છે. આ સમસ્યાના નિરાકરણ માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જરૂૂરી છે. નહીંતર, દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહેશે.