બેલેટ પેપરના મત ગણવા અલગ હોલની વ્યવસ્થા કરાઈ
EVM, VVPTના મત ગણવા દરેક રૂમમાં 14 ટેબલ ઊભા કરાશે : કલેકટરે મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ચૂંટણી પંચના આદેશથી જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા ચૂંટણીને લગતી તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. જેમાં આ વખતે ચૂંટણીની ફરજમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ પાસે 100 ટકા બેલેટ પેપરથી મતદાન થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે ભાગરૂપે બેલેટ પેપરથી થયેલ મતદાનની ગણતરી કરવા માટે મતગણતરી કેન્દ્ર ખાતે અલગ હોલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું કલેકટરે જણાવ્યું હતું.
લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગઈકાલે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ કાલાવડ રોડ પર કણકોટ નજીક આવેલ ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજની મુલાકાત લીધી હતી. દર વખતની માફક આ વખતે પણ લોકસભાની ચૂંટણીની મતગણતરી ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજમાં રાખવામાં આવી છે જેની તમામ વ્યવસ્થાનું આખરી નિરીક્ષણ કર્યુ હતું. આ વખતે ચૂંટણી પંચના આદેશથી ચૂંટણીની ફરજમાં રોકાયેલા તમામ સરકારી કર્મચારીઓનું ત્રણ તબક્કામાં 100 ટકા બેલેટ પેપરથી મતદાન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે આ વખતે બેલેટ પેપરથી થતા મતદાનની ગણતરી માટે અલગથી વ્યવસ્થા ઉભી કરવાનો જિલ્લા કલેકટરે નિર્ણય લીધો છે અને ગર્વમેન્ટ એન્જીનીયરીંગ ખાતે બેલેટ પેપરના મત ગણવા માટે અલગ મોટા હોલની વ્યવસ્થા ઉભી કરાવી છે.
આ ઉપરાંત કણકોટ ખાતે આવેલ એન્જીનીયરીંગ કોલેજમાં ઈવીએમ અને વીવીપેટમાં થયેલ મતદાનની ગણતરી કરવા માટે દરેક રૂમમાં 14 જેટલા ટેબલ ઉભા કરવામાં આવ્યા છે અને તેની તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવાયો છે.