મુસાફરોના ખિસ્સાં કાપતી અને બકરાં ચોરી કરતી રિક્ષા ગેંગ ઝડપાઈ
શહેરમાં રીક્ષામાં બેસી મુસાફરી કરતાં અનેક મુસાફરોના ખિસ્સા હળવા કરતી રીક્ષા ગેંગ અવારનવાર પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે પોલીસે શહેર અને આસપાસના વિસ્તારમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી ખિસ્સા કાપી લેતી અને બકરા ચોરી કરતી રીક્ષા ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડી રૂા.15 હજારનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડીશનલ પોલીસ કમિશ્નર વિધી ચૌધરીની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.ડી.ડામોર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ગંજીવાડાના નાકા પાસેથી શંકાસ્પદ હાલતમાં નિકળેલી રીક્ષા ગેંગના રાધે જેસીંગભાઈ ચૌહાણ (રહે.વાંકાનેર જિ.મોરબી), મહમદ અક્રમ જાફર અલી શેખ (રહે.ભગવતીપરા, જય પ્રકાશનગર) અને ભુરા શામજીભાઈ સિંધવ (રહે.યુવરાજનગર)ને ઝડપી લઈ રૂા.15 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પુછપરછમાં તેઓ મુસાફરને ઓટો રીક્ષામાં વચ્ચે બેસાડી ધક્કા મુકી કરી ઉલ્ટી ઉબકાનું નાટક કરી મુસાફરનું ધ્યાન ભટકાવી તેના ખિસ્સામાં રહેલી રોકડ અને મોબાઈલ સેરવી લઈ મુસાફરને અધ્ધ વચ્ચે ઉતારી દઈ નાસી જવાની મોડસ ઓપરેડીંગ ધરાવતાં હતાં. આ ઉપરાંત તેઓ રાત્રિના સમયે રીક્ષામાં નીકળી બકરા ચોરી પણ કરતાં હતાં.પોલીસ પુછપરછમાં આરોપીઓએ છેલ્લા અઢી મહિનામાં 80 ફુટ રોડ, ગોંડલ રોડ, આજી ડેમ ચોકડી, જુના માર્કેટીંગ યાર્ડ, ત્રંબા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ત્રંબા ગામ, એસ.ટી.બસ સ્ટેશન, કોઠારીયા સોલવન્ટ, અમદાવાદ નજીક સનાથલ સર્કલ, પારેવડી ચોક, નાનામવા ચોકડી, શાપર ચોકડી અને મારવાડી કોલેજ નજીક મળી કુલ 15 સ્થળોએ મુસાફરોના ખિસ્સા હળવા કર્યાની કબુલાત આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી રાધે ચૌહાણ વિરૂધ્ધ એક, મહમદ શેખ વિરૂધ્ધ ત્રણ અને ભુરા સિંધવ વિરૂધ્ધ ચાર ગુના નોંધાયેલા છે.