મનપાના ઈતિહાસનો રેકોર્ડ : 551 કરોડના કામ સ્ટેન્ડિંગમાં મંજૂર
- 113 દરખાસ્ત રજૂ, એક દરખાસ્ત પેન્ડિંગ - સૌથી વધુ ડી.આઈ. પાઈપલાઈન અને રોડ-રસ્તાના કામો મંજૂર કરાયા
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આજરોજ રજૂ થયેલ 113 દરખાસ્ત પૈકી નાનામવા સર્કલના વેચાણ થયેલા પ્લોટનો સોદો રદ કરવાની દરખાસ્ત પેન્ડીંગ રાખી બાકીની તમામ દરખાસ્તો મંજુર કરી મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત રેકર્ડબ્રેક 551 કરોડના કામોના ખર્ચને બહાલી આપવામા આવી હતી.
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં 113 દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે પૈકી શહેરીગૃહ નિર્માણ વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેર માટે આઈકોનિક બ્રીજ બનાવવાની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલ છે જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા પ્રદ્યુમન પાર્કથી રાંદરડા લેક ઉપર સાંમા કાઠા સુધી આઈકોનિક પેડેસ્ટ્રીયન ઓવરબ્રીજ બનાવવામાં આવશે. જેનો ખર્ચ 180 કરોડ અંદાજવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગમાં બ્રીજને મંજુરી આપાઈ હતી. અને હવે આ દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડમાં રજૂ કરવામાં આવશે અને ગ્રાન્ટ મળ્યા બાદ બ્રીજની બાકીની તમામ કામગીરી શરૂ કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.
રાજકોટ શહેરમાં પ્રથમ વખત દ્વારકામાં તૈયાર થયેલ સિગ્નેચર ઓવરબ્રીજ જેવો જ આઈકોનિક પેડેસ્ટ્રીયન ઓવરબ્રીજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવી જ રીતે કટારિયા ચોકડી પર અંડરબ્રીજ તથા ફ્લાય ઓવરબ્રીજ તથા સ્માર્ટસીટીના ડીબી રોડ ઉપર વોકળા બ્રીજ તેમજ કટારિયા ચોકડીથી સ્માર્ટસીટી તરફ જતા રોડ ઉપર ત્રણ બ્રીજનું વાઈડીંગ તથા ખોખળદર નદી ઉપર કોઠારિયા તથા લાપાસરીને જોડતો હાઈલેવલ બ્રીજ અને ગોંડલ રોડ પર પીડીએમ ફાટક પર ઝેડ આકારનો રેલવે બ્રીજ બનાવવા સહિતના કામો માટે રૂા. 285.79 કરોડની ગ્રાન્ટ સરકાર પાસે માંગવામાં આવી છે.
રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં મીયાવાકી પદ્ધતિથી થીમ ફોરેસ્ટ બનાવી (ચાર વર્ષ નિભાવણી સાથે) ત્રણ વર્ષ સુધીના સમયગાળા માટે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ (સદભાવના વૃદ્ધાશ્રમ) પાસે આર.સી. ભાવ પ્રતિ ચો.મી.ના રૂૂ. 310/- લેખે કામગીરી કરાવવા સ્ટે.ક.ઠ.નં. 308 તા. 04-10-2023 થી ઠરાવ થયેલ. આ પ્રકારની કામગીરી આજીડેમ સંકુલ વિસ્તાર પૈકીના પંપ હાઉસ પાછળ, નેશનલ હાઇવે લાગુ 30,000 ચો.મી. વિસ્તારમાં મીયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરી થીમ ફોરેસ્ટ બનાવી તેની 4 (ચાર) વર્ષ સુધી નિભાવણી કરવાના કામે કુલ રૂૂ. 93,00,000/-(અંકે રૂૂપિયા ત્રાણું લાખ પુરા) નું ખર્ચ મંજુર કરાયેલ છે. આ કામગીરી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ (સદભાવના વૃદ્ધાશ્રમ) પાસે ઉક્ત ઠરાવ મુજબ કરાવવાની થાય છે. ઉપરોક્ત બાબતે ટેન્ડરની શરતો અને સમજૂતીઓને આધીન રૂૂ. 93,00,000/- ની મર્યાદામાં રહી આ કામ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ (સદ્દભાવના વૃધ્ધાશ્રમ), પાસે તેઓના મંજુર થયેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.3 માં આવેલ જયુબેલી ગાર્ડનમાં અરવિંદભાઇ મણિયાર હોલ રીનોવેશન કરવાના કામે રૂૂ.3,49 કરોડ (અંકે રૂૂપિયા ત્રણ કરોડ ઓગણપચાસ લાખ પુરા)નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. જે અંતર્ગત અરવિંદભાઇ મણિયાર હોલમાં સિવિલ કામ, ઇન્ટીરીયર ફર્નિચર કામ તથા પ્લમ્બીંગ કામ, ઇલેકટ્રીક કામ, એચવીએસી કામ ફાયર ફાઇટીંગ કામ, ઊકટ કામ (ફાયર એલાર્મ સીસ્ટમ), પરચુરણ કામ (એચ.ટી. કનેકશન વર્ક) વિગેરે કામનો સમાવેશ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત અનેક વિસ્તારોમાં મુક્તિધામ આવેલા છે. પરંતુ કોઠારિયાનો વિસ્તાર વધતા આ વિસ્તારમાં મુક્તિધામ બનાવવાની માંગ ઘણા સમયથી ઉઠી હતી તેથી મ્યુનિસિપલ કમિશનરે કોઠારિયામાં 2000 ચો.મી. જગ્યા ઉપર ઈલેક્ટ્રીક અને ગેસ આધારીત સ્મશાન બનાવવા માટેની દરખાસ્ત રજૂ કરી છે. ટેન્ડરમાં રૂા. 31% વધુ ભાવતા હવે રૂા. 5.24 કરોડના ખર્ચે કોઠારિયામાં મુક્તિધામ બનાવવામાં આવશે જેની દરખાસ્ત આવતી કાલે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મંજુરમાં આવી હતી.