સોની બજારમાંથી 500 ગ્રામ સોનું લઈ રાજસ્થાની કારીગર નાસી છૂટ્યો
- ગોંડલ અને રાજકોટની બે જ્વેલર્સ પેઢીએ ઘરેણાં બનાવવા આપ્યું હતું સોનું
રાજકોટ શહેરમાં વધી રહેલા સોના-ચાંદી વેપાર સાથે ચીટીંગના બનાવો પણ વધી રહ્યા છે. આજે વધુ એક કારીગર બે સોની વેપારીનું રૂા. 35 લાખની કિંમતનું 500 ગ્રામ સોનું લઈને નાસી ગયાનો મામલો પોલીસ દફતરે પહોંચ્યો છે.
સોનીબજારમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના પેલેસ રોડ ઉપર આવેલ શ્રી પ્રભુકૃપા જવેલર્સ અને ગોંડલની પ્રિયા નવનીત ગોલ્ડ નામની બે પેઢીનું રાજસ્થાનનો કારીગર મનોજ શર્મા 500 ગ્રામ સોનું લઈને નાશી છુટ્યો છે. સોની બજારમાં જ રહીને સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતા આ કારીગરની શોધખોળ કરતા નહીં મળી આવતા અને તેનો મોબાઈલ ફોન પણ બંધ થઈ ગયો હોવાની પોલીસને જાણ કરાઈ છે.
સોનીબજારના વેપારીઓનું કહેવું છે કે, આ રાજસ્થાની કારીગરને ઉપરોક્ત બન્ને વેપારીઓએ થોડા દિવસ પહેલા 250-250 ગ્રામ સોનું ઘરેણા બનાવવા માટે આપ્યું હતું પરંતુ છેલ્લા ચારેક દિવસથઈ મનોજ શર્મા નામનો આ કારીગર ગુમ થઈ જતાં સોનીબજારમાં તેની સાથે રહેતા અન્ય કારીરોની પુછપરછ કરવામાં આવી હતી.
પરંતુ મનોજ શર્મા કોઈને પણ જાણ કર્યા વગર જ નાશી ગયાનું માલુમ પડયું હતું. આ ઉપરાંત મોબાઈલ ફોન ઉપર તેનો સંપર્ક સાધવા છતાં સંપર્ક નહીં થતા કારીગર રૂા. 35 લાખની કિંમતનું 500 ગ્રામ સોનું લઈને નાશી ગયાનું જણાયું હતું, આથી પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો છે. અને મનોજ શર્માનું રાજસ્થાન ખાતેનું નિવાસે જે વિસ્તારમાં છે તે વિસ્તારની પોલીસને પણ જાણ કરવામાં આવી છે.