મુળી તાલુકાના વગડિયા ગામે હડકાયા કૂતરાએ બે વર્ષના માસુમને ફાડી ખાધો
ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ કૂતરાને મોતને ઘાટ ઉતારી બાળકને છોડાવ્યો પણ જીવ ન બચ્યો
રખડતા શ્ર્વાનોનો આતંક વધી રહ્યો હોય તેમ અવારનવાર રાહબારીઓને બચકા ભર્યા હોવાની અને માસુમ બાળકોના મોત નિપજ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનાનો મુળીના વગડીયા ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારના બે વર્ષના માસુમ બાળકની હડકાયા કૂતરાએ બચકા ભરી લીધા હતાં. ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ હડકાયા કૂતરાને મોતને ઘાટ ઉતારી બાળકને સારવાર માટે ખસેડયો હતો. પરંતુ બાળકનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મુળી તાલુકાના વગડીયા ગામે ખેત મજુરી અર્થે આવેલા પરિવારના રાજેશ કમલભાઈ કટારા નામનો બે વર્ષનો માસુમ બાળક બપોરના સમયે વાડીએ સુતો હતો ત્યારે ધસી આવેલા હડકાયા કૂતરાએ નિંદ્રાધીન રાજેશ કટારાને બચકા ભરી લીધા હતાં. માસુમ બાળકના રડવાના અવાજથી લોકો એકઠા થઈ ગયા હતાં. એકઠા થઈ ગયેલા લોકોએ હડકાયા કૂતરાને મોતને ઘાટ ઉતારી માસુમ બાળકને છોડાવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં માસુમ બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહેર કરતાં શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક માસુમનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો છે અને છેલ્લા દોઢેક મહિનાથી વગડીયા ગામે ખેત મજુરી અર્થે આવ્યો હતો. મૃતક રાજેશ કટારા બે ભાઈ બે બહેનમાં નાનો હતો અને હડકાયા કૂતરાએ બચકા ભરી લેતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.