હેડ ક્વાર્ટરમાં પોલીસમેનના પુત્રએ નોકરીની ચિંતામાં કર્યું વિષપાન
જુદા જુદા ત્રણ સ્થળે યુવતી સહિત ચારના આપઘાતના પ્રયાસ
શહેરમાં સેન્ટ્રલ જેલ પાછળ આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા પોલીસ પુત્રએ નોકરીની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પોપટપરા વિસ્તારમાં સેન્ટ્રલ જેલ પાછળ આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા પોલીસ પુત્ર સંતોષ અજયભાઈ નિમાવત નામના 19 વર્ષના યુવાને મામા સાહેબના મંદિર પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સંતોષ બે ભાઈમાં મોટો છે અને કોલેજનો અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરીની ચિંતામાં પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં નાના મવા મેઇન રોડ ઉપર આવેલા નહેરુનગરમાં રહેતા રવુબા માનસિંગજી ગોહિલ નામના 95 વર્ષના વૃદ્ધાએ બીમારીથી કંટાળી જાત જલાવી લીધી હતી. ગંભીર રીતે દાજી ગયેલા વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગોંડલ રોડ ઉપર આવેલ ખોડીયારનગરમાં રહેતી સીમાબેન જયેન્દ્રભાઈ ગુજ્જર નામની 27 વર્ષની પરણીતાએ કોઈ અગમ્ય કારણસર ફીનાઇલ લીધું હતું. જ્યારે મુસ્લિ લાઈનમાં રહેતી શેનીલાબેન તાહીરભાઈ શેખ નામની 21 વર્ષની પરિણીતાએ બીમારીની વધુ પડતી ગોળીઓ ખાઇ માથે ફિનાઈલ ગટગટાવી લીધું હતું. તેમજ માર્કેટ યાર્ડ પાસે આવેલા સાગરનગરમાં રહેતી રાધિકાબેન ગુણવંતભાઈ ખીમાણી નામની 19 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. જલનશીલ પ્રવાહી પી લેનાર યુવતી અને બે પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.