જે વ્યક્તિ કોર્ટની પ્રક્રિયાનો ગેરલાભ લેવાનો પ્રયત્ન કરતી હોય તે માલિક સામે મનાઇ હુકમ મેળવી શકે નહીં: કોર્ટ
રાજકોટમાં જિલ્લા લાયબ્રેરી સામે આવેલ મેંગણી હાઉસ નામની મિલ્કત મુળ માલિક જનકબા બળવંતસિંહ જાડેજા વગેરે પાસેથી રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી ભૂપતભાઈ જસમતભાઈ બોદર વિગેરેએ ખરીદી હતી, તેમાં મેસર્સ કોરોનેશન મોટર્સ નામની ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર હરીતભાઈ રમેશભાઈ ત્રિવેદીએ મૂળ માલિકો અને ખરીદનારા વિરુદ્ધ મિલ્કત સંદર્ભે 2009માં સ્મોલ કોઝ કોર્ટમાં વિજ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમ મેળવવાનો દાવો દાખલ કર્યો હતો. તેમાં એવી તકરાર કોર્ટ સમક્ષ લેવામાં આવેલ કે તેઓ સમગ્ર મિલ્કતના ભાડુઆત છે અને મકાન માલીકે કાયદાની પ્રક્રિયા અનુસર્યા સિવાય ભાડાવાળી જગ્યા કે જે કોરોનેશન મોટર્સના નામથી ઓળખાય છે તેમાં 6 શટર્સવાળો શો-રૂૂમ તથા પાછળના ભાગે 4 બારણા આવેલ છે અને ખુલ્લી જગ્યાં આવેલ છે, જેના તેઓ 1930થી ભાડુઆત છે, જેથી આ ભાડાવાળી જગ્યામાં કોઈ અડચણ, અટકાયત, અવરોધ કરેકરાવે નહીં કે કબ્જો છીનવે નહીં તેવા કાયમી મનાઈ હુકમ મેળવવાની દાદ માંગી હતી.
આ કેસમાં મૂળ માલિક અને રજિસ્ટર દસ્તાવેજથી ખરીદનારાઓએ અદાલતને જણાવ્યું હતું કે, મુળ વાદી ભાડુઆતે કોર્ટ સમક્ષ હાલનો ખોટો દાવો કરેલ છે. વાદી મેંગણી હાઉસ તરીકે ઓળખાતી મિલ્કત કે જે 1977-32 ચો.મી. સહિતની મિલ્કતના ભાડુઆત હોવાની હકીકત કોર્ટને ગેરમાર્ગે દોરનારી છે, વાદી માત્ર કોરોનેશન મોટર્સ નામની ભાગીદારી પેઢી આગળના ભાગે 6 શટ્ટર્સ વાળો શો-રૂૂમ તથા પાછળના ભાગે 4 બારણા આવેલ છે તેટલી જ જગ્યાના ભાડુઆત છે, ખુલ્લી જગ્યાના માલીક અમો પ્રતિવાદી છીએ. આમ ખુલ્લી જગ્યાનાં તેઓ ભાડુઆત ન હોવા છતાં કોર્ટને ગેરમાર્ગે દોરી કોર્ટની પ્રક્રિયાનો ગેરલાભ લઈ ટ્રેસપાસ યુકત કૃત્ય કરવાનો પ્રયત્ન કરેલ છે. પ્રતિવાદીઓએ આ બચાવના સમર્થનમાં અદાલત સમક્ષ ભાડાની પહોંચ, આકારણી પત્રક, ત્રાહિત વ્યકિતઓની જુબાની તથા અગાઉના મકાન માલીક જનકબા બળવંતસિંહ જાડેજા તથા સેન્ટ કર્વે સ્કુલના ભાડુઆત વચ્ચે અદાલતમાં જે લીટીગેશન થયેલ તેની ખરી નકલ રજુ કર્યા હતા.
આ ઉપરાંત વિવિધ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા. જે ધ્યાને લઈને સ્મોલ કોઝ કોર્ટ જજ સી.પી. ચારણે મુળ વાદી ભાડુઆત કોરોનેશન મોટર્સના ભાગીદાર હરીતભાઈ રમેશચંદ્ર ત્રિવેદીએમ્ત સમગ્ર મિલ્કતમાંથી 197732 ચો.મી.ના ભાડુઆત હોય તેવો કોઈ લેખિત આધાર પુરાવો રજુ કરેલ નથી. ઓપન લેન્ડની માલિકી લેન્ડ ઓનરની ગણાય જેથી ભાડુઆત જે જગ્યાના ભાડુઆત ન હોય તેઓ મકાન માલીક સામે મનાઈ હુકમ માંગવા કે મેળવવા હકકદાર નથી તેમ ઠેરવી વાદી ભાડુઆતનો દાવો રદ્દ કર્યો છે. આ કામમાં પ્રતિવાદી ભૂપતભાઈ જસમતભાઈ બોદર વગેરે વતી એડવોકેટ પરેશ મારૂૂ, દિલીપ ચાવડા, હાર્દિક જાદવ રોકાયા હતા.