ચોટીલાના ખાટડીમાં ચક્કર આવતા ગબડી પડેલી નવોઢાનું મોત
પડધરી નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો : વાલીવારસની શોધખોળ
ચોટીલાના ખાટડી ગામે રહેતી નવોઢા ચક્કર આવતાં અકસ્માતે ઢળી પડી હતી. નવોઢાનું બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
ચોટીલાના ખાટડી ગામે રહેતી સોનલબેન મુન્નાભાઈ ખાચર નામની 22 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે અચાનક ચક્કર આવતાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક સોનલબેન ખાચરના ચાર મહિના પૂર્વે જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં પડધરી નજીક આવેલ ટી.જી.એમ. હોટલ નજીક નાલામાંથી આશરે 35 વર્ષના અજાણ્યા યુવકની લાશ પડી હતી. જ્યાંથી રાહદારી પસાર થતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે અજાણ્યા યુવકના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને મૃતક યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.