હાપા રેલવે કોલોની વિસ્તારમાંથી નવજાત શિશુ મળી આવતા દોડધામ
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયું: રડવાના અવાજથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી
જામનગર નજીક હાપા રેલવે કોલોની વિસ્તારમાંથી સાંજના સમયે એક નવજાત શિશુ જીવીત અવસ્થામાં મળી આવતાં ભારે દોડધામ થઈ હતી. ઉપરોક્ત વિસ્તારમાંથી પસાર થતા એક નાગરિકે બાળકનો રડવાનો અવાજ સાંભળ્યા બાદ તુરતજ 108 ની ટુકડીને જાણ કરી હતી. જે દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. 108 ની ટુકડીએ બનાવના સ્થળે દોડી આવી નિર્જન સ્થળે પડેલા બાળકનો કબજો સંભાળ્યો હતો અને સૌ પ્રથમ પ્રાથમિક સારવાર કરી હતી. ત્યારબાદ બાળક (બાબા)ને જીવિત અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યું છે, જ્યાં તેને સમયસર સારવાર મળી ગઈ હોવાથી બાળકનો બચાવ થયો છે. સમગ્ર ઘટના અંગે દયા વિહીન માતા સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે. બાળકને ત્યજી દેનાર માતાને શોધવા માટે પંચકોશી બી. ડિવિઝનની પોલીસ ટુકડી કામે લાગી છે, અને આસપાસના લોકોના નિવેદનો નોંધવાનું શરૂૂ કર્યું છે. આવી ઘટનાઓ સમાજ માટે શરમજનક છે.
આ ઘટના દર્શાવે છે કે આજના સમાજમાં માનવતાના મૂલ્યો કેટલા ઓછા થઈ ગયા છે. આવી ઘટનાઓને રોકવા માટે સમાજમાં જાગૃતિ લાવવાની જરૂૂર છે.