ચોકીદારો અને કારવોશર પાસેથી બંધ મકાનની માહિતી મેળવી ચોરી કરતી નેપાળી બેલડી ઝડપાઈ
- રાજકોટ અને મોરબીની 12 ચોરીના ભેદ ઉકેલાયા
શહેરમાં અન્ય રાજ્યોમાંથી આવતાં શખ્સો અને નેપાળી શખ્સો ચોરી કરી નાસી છુટતાં હોય જેથી તેને પકડવામાં પોલીસને મુશ્કેલી પડતી હોય દરમિયાન ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવાની સુચનાથી ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે કોઠારીયા રોડ પરથી નેપાળી બેલડીને ચોરીના સાધનો સાથે ઝડપી પાડયા હતાં. જેની પુછપરછમાં રાજકોટ અને મોરબીના અઢી વર્ષ પહેલા નોંધાયેલા 12 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઝડપાયેલા તસ્કરો શહેરના અલગ અલગ વિસ્તારમાં કામ કરતાં ચોકીદારો અને કારવોશર પાસેથી બંધ મકાનની માહિતી મેળવી ચોરીને અંજામ આપતાં હોવાનું ખુલવા પામ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે.હુંણ, એએસઆઈ ઘનશ્યામભાઈ મેણીયા, વાલાભાઈ ડાભી, અમીત અગ્રાવલ, કિરતસિંહ ઝાલા, સંજય રૂપાપરા, નગીનભાઈ ડાંગર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન કોઠારીયા મેઈન રોડ પર તિરૂપતિ સોસાયટીમાં પાણીના ટાંકા પાસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે નેપાળી શખ્સો ઉભા હોવાની બાતમીના આધારે પોલીસે દોડી જઈ આરોપી પ્રવિણ બસંત શાહી અને ભરત રણબહાદૂર શાહી (રહે.બન્ને હુડકો ચોકડી પાસે તિરૂપતિ સોસાયટી શેરી નં.2 મુળ કાલીકોટ નેપાળ)ને ઝડપી પાડી તેમની પાસેથી ચોરી કરવાના સાધનો ડીસ્મીસ, વાંદરી પાનુ, મોબાઈલ અને રોકડા રૂપિયા 10,500 મળી કુલ રૂા.12,300નો મુદ્ધામાલ કબજે કર્યો હતો.
પોલીસ પુછપરછમાં ઝડપાયેલા શખ્સોએ રાજકોટ અને મોરબીમાં અઢી વર્ષ પહેલા કરેલી 12 ચોરીની કબુલાત આપીહતી. જેમાં રાજકોટમાં પત્રકાર સોસાયટીમાંથી બંધ મકાનના તાળા તોડી રોકડ અને સોનાના દાગીના અને સોનાના સિક્કાની ચોરી કરી હતી., બીગ બજાર પાછળ સાંઈનગર સોસાયટીમાંથી બે બંધ મકાનના તાળા તોડી રોકડ અને સોના ચાંદીનાના દાગીનાની ચોરી, એરપોર્ટ ફાટક પાસે શ્રેયસ સોસાયટીમાંથી બંધ મકાનમાંથી, વૈશાલીનગરમાં બંધ મકાનમાંથી, મહિલા અન્ડરબ્રીજ પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોનીમાં બંધ મકાનમાંથી, સાધુ વાસવાણી રોડ ત્રિવેણી સોસાયટીમાં બંધ મકાનમાંથી, શારદાનગર સોસાયટી, રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે મમ્બાસા પાર્કમાંથી યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટીમાંથી, 150 ફુટ રીંગ રોડ પર મેન્ટાબોલા એર્પાટમેન્ટમાંથી તથા મોરબીમાં સનાળા રોડ પર બંધ મકાનમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.
તસ્કરો શહેરના અલગ અલગ વિસ્તારમાં સોસાયટી તથા એપાર્ટમેન્ટમાં ચોકીદારી તથા કારવોશ કરતાં નેપાળી માણસો પાસેથી બંધ મકાનની માહિતી મેળવી બાદમાં રાત્રિનાં રેકી કરી ડીસ્મીસ, લોખંડના સળીયા અને વાંદરી પાના જેવા હથિયારો વડે મકાનના તાળા તોડી તિજોરી અને કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી નેપાળ તથા અન્ય રાજ્યો બેંગ્લોર અને મુંબઈ કે જ્યાં તેના સગા સંબંધીઓ કામ કરતાં હોય ત્યાં નાસી છુટતા હતાં. બાદમાં એકાદ બે વર્ષ પછી પરત ચોરી કરવા નીકળતા હોવાની મોડસઓપરેડીંગ ધરાવે છે આ અંગે પોલીસે બન્ને શખ્સો સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ ? તે અંગે પુછપરછ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.