બોટાદમાં સ્કૂટરની ડીકી તોડી 3.85 લાખના દાગીનાની ચોરી
બોટાદ શહેરમાં રજપૂત ચોરા વિસ્તારમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરની બાજુમાં દર્શનાર્થીએ પોતાનું એકટીવા પાર્ક કરીને દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ઘરે પહોંચી ડેકીમાં તપાસ કરતાં ડેકીમાં મુકેલા સોનાના દાગીનાની થેલીની ચોરી થઈ હોવાનું સામે આવતાં બોટાદ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
બોટાદ શહેરનાં ઉમૈયા નગર વિસ્તારમાં રહેતા ઝવેરભાઈ અંબારામભાઈ સાબવા ગઈ તારીખ 22 નવેમ્બરે સાંજના સમયે શહેરનાં હીરા બજારમાં આવેલા રત્નદીપમાં સેફ ડિપોઝિટમાં મુકેલા અલગ અલગ સોનાના દાગીનાની થેલી લઈને તેમણે એકટીવાની ડેકીમાં મુકીને શહેરનાં રજપૂત ચોરા વિસ્તારમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા.
જ્યાં ઝવેરભાઈએ તેમનું એકટીવા સ્કૂટરને પાર્ક કરીને દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ઘરે પહોંચીને એકટીવાની ડેકી ખોલતાં ડેકીમાં મુકેલા દાગીનાની થેલીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી ઝવેરભાઈ સાબવા તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં સીસીટીવી ચેક કરતાં કોઈ શખ્સ એક્ટીવા સ્કૂટરની ડેકીમામથી દાગીનાની થેલીની ચોરી કરી જતો હોવાનું સામે આવ્યું હતું. જેથી ઝવેરભાઈ સાબવા બોટાદ પોલીસ સ્ટેશન પહોંચી પોતાના અલગ અલગ સોનાના દાગીનાની થેલીની ચોરી થઈ હોવાનું જાણ કર્યું છે. બોટાદ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ રૂૂ. 3.85 લાખના સોનાના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધીને સીસીટીવી ફુટેજ મેળવી પોલીસે તપાસ હાથ ધરી છે.