ભીમનગરના આધેડને તાવ ભરખી ગયો
3 દિવસથી તાવ આવતો હોય, બેભાન થઈ જતાં મોત
શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો હોય તેમ તાવ સહિતની બિમારીના કારણે મૃત્યુના બનાવો વધી રહ્યાં છે ગઈકાલે શહેરમાં તાવની બિમારીથી બે લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે આજે વધુ એક બનાવમાં નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતા આધેડનું તાવની બિમારીથી મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, નાનામવા રોડ પર આવેલા ભીમનગરમાં રહેતા રમેશભાઈ વાલજીભાઈ દાફડા (ઉ.46) નામના આધેડને ત્રણેક દિવસથી તાવ આવતો હોય દરમિયાન આજે સવારે તેઓ બેભાન થઈ જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક રમેશભાઈ એક ભાઈ એક બહેનમાં નાના અને મજુરી કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોય આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.