ખંઢેરી સ્ટેડિયમ પાસે ટ્રક અડફેટે બાઇક ચાલક આધેડનું પત્નીની નજર સામે જ મોત
રાજકોટમાં ગોંડલ રોડ ઉપર ખોડિયાર હોટલ પાછળ આવેલ કલ્પવનમાં રહેતા દિનેશભાઈ ઉર્ફે દિનુભાઈ વલ્લભભાઈ સરવૈયા નામના 57 વર્ષના આધેડ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં જામનગર રોડ ઉપર ખંઢેરી સ્ટેડિયમ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આધેડની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક દિનેશભાઈ ઉર્ફે દિનુભાઈ સરવૈયાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. દિનેશભાઈ ઉર્ફે દિનુભાઈ સરવૈયા કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતા હતા. આધેડ પોતાની પત્ની રમાબેન સાથે જામનગર ગયા હતા અને જામનગરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.