નવરાત્રી-દશેરા અંતર્ગત આંગડિયા પેઢીના માલિકો સાથે બેઠક યોજાઈ
સીસીટીવી કેમેરા વધારવા ઉપર ભાર મુકાયો
આગામી નવરાત્રી-દશેરાના તહેવારોમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આયોજિત એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇન્ચાર્જ ડીવાયએસપી નયના ગોરડીયાના અધ્યક્ષસ્થાને બેંક મેનેજરો અને આંગડીયા પેઢીના માલિકો હાજર રહ્યા હતા.
બેઠકમાં તહેવારો દરમિયાન બેંકો અને આંગડીયા પેઢીઓમાં લાગતા ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેંકોમાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવા અને તેની નિયમિત જાળવણી કરવાની સાથે કમ્પ્લેઇન્ટ બોક્સ મૂકવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તહેવારો દરમિયાન પૈસાની જરૂૂરિયાત વધી જતી હોવાથી, બેંકો અને આંગડીયા પેઢીઓમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૂૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ તંત્ર દ્વારા શહેરમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવશે. બેંક મેનેજરો અને આંગડીયા પેઢીના માલિકોએ પોલીસ તંત્રને પૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં કુલ 35 જેટલા બેંક મેનેજરો અને આંગડીયા પેઢીના માલિકો હાજર રહ્યા હતા.