ખંભાળિયામાં સાંસદની ઉપસ્થિતિમાં આગેવાનો અને કાર્યકરોનું સંમેલન યોજાયું
ખંભાળિયામાં હાલારના સાંસદ પૂનમબેન માડમની ખાસ ઉપસ્થિતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અત્રે બેઠક રોડ ઉપર આવેલી રાજપૂત સમાજની વાડી ખાતે યોજવામાં આવેલા આ આયોજનમાં ભાજપના ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના પ્રમુખ પરિવારના પી.એસ. જાડેજા સહિતના મોટી સંખ્યાના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગી અગ્રણી અને આહીર આગેવાન એભાભાઈ કરમુર (પરિશ્રમ ગ્રુપ) સહિતના કોંગ્રેસના શહેર તથા તાલુકાના આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કહી અને ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો સહિત આશરે 800 જેટલા કોંગી આગેવાનો-કાર્યકરોએ ઢોલ નગારા સાથે કેસરિયા ધારણ કર્યા હતા. આ તમામ આગેવાનો અને હોદ્દેદારોને સાંસદ પૂનમબેન માડમ, મુળુભાઈ બેરા, અગ્રણી મુળુભાઈ કંડોરીયા, મયુરભાઈ ગઢવી વિગેરેએ ભાજપનો ખેસ પહેરાવીને વિશ્વની સૌથી મોટા પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા હતા. વિકાસલક્ષી અભિગમ તેમજ આમ જનતા લક્ષી પાર્ટીની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગી કાર્યકરોએ ભાજપમાં જોડાઈને લોકસેવાલક્ષી અભિગમ અપનાવ્યો હોવાના પ્રતિભાવો તેઓએ વ્યક્ત કર્યા હતા.
આ પ્રસંગે ખંભાળિયાના વિવિધ વેપારી મંડળો તેમજ એસોસિએશન વિગેરે દ્વારા પૂનમબેન માડમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ખંભાળિયા શહેર તથા જિલ્લાભરના ભાજપના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.