ફેસબુક ઉપર ફેક આઇડી બનાવી પરિણીતાને પજવતો શખ્સ ઝડપાયો
સોશીયલ મીડિયા ફેસબુક પર ઓળખ છુપાવી વેરાવળની પરણીતાનું ફેક આઈ.ડી. બનાવી પજવણી કરતાં જામનગરના શખ્સને જીલ્લા સાયબર ક્રાઇમ ટીમે ટેકનીકલ સર્વેલન્સના આધારે પકડી ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ ટીમને વેરાવળના શીવજી નગર વિસ્તારમાં આઝાદ સોસાયટીમાં રહેતા હિતેષ દુર્લભદાસ જીમુલીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ કે, તેમના પત્ની માધવીબેન જીમૂલીયાના નામે ફેસબુક સોશીયલ મીડીયા ઉપર માધવી ટી વાળી ખોટી આઇ.ડી. બનાવી તે આઇ.ડી.માંથી તેમના મિત્રો તેમજ સગા-સબંધીને રિક્વેસ્ટ મોકલી આઇ.ડી.માં ફોલોવર્સ બનાવી તથા ફેમિલી ફોટા અપલોડ કરી તેમજ મેસેજ કરી કોઈ અજાણ્યો શખ્સ પોતાની ઓળખ છુપાવી મારી પત્ની માધવીને હેરાન પરેશાન કરવા અને સમાજમાં બદનામી થાય તેવુ કૃત્ય કરી રહ્યો હતો.
ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળતા જ સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.એચ.મારૂૂ તથા પો.કોન્સ. રાહુલસિંહ નકુમ, જયેશ ગોહેલ, પિયુષસિંહ ઝાલા તથા સાયબર ક્રાઇમ પો.સ્ટે. સ્ટાફ દ્વારા ટેકનીકલ સર્વેલન્સના આધારે માહિતી એકઠી કરી ફરીયાદીની પત્નીના નામનું આઇ.ડી. બનાવનાર આરોપી કીર્તિકુમાર મણિલાલ પટેલ રહે.જામનગર વાળાને પકડી પાડી સાયબર ક્રાઇમ પો.સ્ટે. ગીર સોમનાથ ખાતે ગુન્હો ડિટેક્ટ કરેલ છે. હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આઈ. ટી. એકટની કલમ 66(સી) અને 66(ડી) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.