જૂનાગઢના દોલતપરામાં મંદિરમાંથી ચોરી કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયો
ચાંદીના છતર, ત્રિપુંડ સહિતનો મુદ્દામાલ કબજે
દોલતપરાનાં મંદિરમાંથી દિન દહાડે ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી તમામ મુદ્દામાલ કબ્જે લીધો હતો. રામદેપરા રોડ પર આવેલ ધુનેશ્વર મહાદેવ મંદિરમાં બપોરના સમયે ત્રાટકી તસ્કરો ચાંદીના બે છતર, આરતી કરવાનું દિવેલ્યું, ચાંદીનું ત્રિપુંડ, ત્રાંબાની લોટી, ત્રાસ, ઝાલર મળી કુલ રૂૂપિયા 3,000ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હતા. ચોરીની ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થતા સુનિલ જગદીશભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી.
જેનાં પગલે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં એ ડિવિઝનના પીઆઇ બી. બી. કોળી, મિતુલ પટેલની સુચનાથી પીએસઆઇ જે. આર. વાઝાની ટીમે બાતમીદારો મારફત અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ચોરી કરનાર શહેરના કડીયાવાડમાં ભાડાના મકાનમાં રહેતો 22 વર્ષીય કુલદીપ ભુપત સોલંકીને ઝડપી લીધો હતો. રાજકોટ જિલ્લાના ઉમરાળી ગામનો વતની અને મજૂરી કામ કરતો કુલદીપ સોલંકી પાસેથી પોલીસે ચાંદીના બે છતર, આરતી કરવાનું દિવેલ્યું, ત્રાંબાની લોટી, ત્રાસ, ઝાલર સહિતનો રૂૂપિયા 3,000નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ અને પૂછપરછ હાથ ધરી હતી.