લૌકિકે જતા કોઠારિયા સોલવન્ટના પ્રૌઢનું કારની ઠોકરે ચડી જતા મોત
શહેરના ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટમાં રહેતા પ્રૌઢ બાઇક લઇ લૌકિકે જતા હતા ત્યારે કોઠારીયા બાયપાસ હાઇવે પર રામવન નજીક પહોંચતા કારની ઠોકરે ચડી જતા ગંભીર ઇજા થઇ હતી. જેનુ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ ચોટીલાના મહીદળ ગામના વતની અને હાલ કોઠારીયા સોલવન્ટમાં રાધીકા રેસીડેન્સીમાં રહેતા કડવાભાઇ ભૂરાભાઇ તલસાણીયા (ઉ.વ.55)નામના પ્રૌઢ ગત તા.25/8/25ના રોજ સવારે તેના ગામમા અવસાન થયુ હોવાથી લૌકિકના કામે બાઇક લઇ જતા હતા. દરમિયાન કોઠારીયા બાયપાસ હાઇવે પર ખોખળદડથી આગળ રામવન નજીક પહોંચતા ઇકો કારના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કડવાભાઇને માથા ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેનુ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નીપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ ત્રણભાઇ બે બહેનમાં નાના અને ખેતી કામ કરતા હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે..