અયોધ્યા રામમંદિર પાસે બનશે ભવ્ય ગુજરાત ભવન, સરકારે જમીન ખરીદી
અયોધ્યામાં નિર્માણ પામેલા અને તાજેતરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરાઈ છે તેવા ભગવાન રામના મંદિરના દર્શન માટે પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. ગુજરાતી પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પણ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. અયોધ્યામાં ગુજરાત ભવન બનાવવા માટે જમીન ખરીદી લેવામાં આવી હોવાનું પણ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ અંગે વાત કરીને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું કે, અયોધ્યામાં રામ ભક્તો માટે રાજ્ય સરકારે જમીન લીધી છે, અને આગામી સમયમાં સારું ભવન બાંધવામાં આવશે કે જેથી ગુજરાતીઓને સારી સગવડ મળી શકે. આ સાથે તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગેની કામગીરી અયોધ્યામાં અગાઉથી જ કરી કરી દીધી હતી.
નોંધનીય છે કે, દેશના મહત્વના મુંબઈ, દિલ્હી, કોલકાતા સહિતના શહેરોમાં ગુજરાત ભવન બનાવવામાં આવ્યા છે જ્યાં શહેરની મુલાકાતે આવનારા ગુજરાતી મુસાફરોને રાહતદરે રહેવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે.રાજ્ય સરકારે અગાઉથી જ અયોધ્યામાં ગુજરાત ભવનના નિર્માણ માટે જમીન ખરીદી લીધી છે. હવે નજીકના સમયમાં ભવન તૈયાર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.