જીવદયાને સમર્પિત જીવન
ગાયને ફક્ત લીલું ઘાસ કે ખોળ નહીં પરંતુ કેરી, ટમેટાં,પાલક, ફ્રૂટ, બુંદીના લાડુ,કાજુકતરી ખવડાવે છે સંગીતાબેન શાહ
રાજકોટનો એક પણ ખૂણો એવો નહીં હોય કે જ્યાં સંગીતાબેન શાહની સેવાની મહેંક પહોંચી ન હોય
"ભગવાને આપણને આપ્યું છે તો અન્યને મદદ કરવાની આપણી ફરજ છે. હું નસીબદાર છું કે સેવા કરીને, જીવદયા કરીને મનુષ્ય ભવ સુધારવાની તક ભગવાને આપી છે. જીવદયાથી વિશેષ કંઈ પણ નથી. મારા ઘરેથી કોઈ ભૂખ્યું જાય તો મારો આત્મા કકળે,કોઈ મૂંગા જીવને વાગ્યું હોય તો મારી આંખોમાં આંસુ આવી જાય.” આ શબ્દો છે સેવાના પર્યાય અને જીવદયાની અલખ જગાવનાર રાજકોટના સંગીતાબેન શાહના.તાજેતરમાં તેઓને જોધપુર ખાતે અન્નપૂર્ણા સેવા સન્માન એવોર્ડ મળ્યો છે ત્યારે તેઓ ખૂબ નમ્રતાપૂર્વક પોતાની લાગણી આ રીતે વ્યક્ત કરે છે.તેઓના ઘરે પશુ-પંખીઓ તરસ છીપાવી શકે તે માટે પાણીની કુંડી ભરેલી હોય છે.ઘરમાં ગુણી ભરીને ગાયો માટે ખોળ રાખેલ છે.ઘરમાં એક રૂૂમ નાસ્તા અને જરૂૂરિયાતની વસ્તુથી ભરેલ છે. જ્યારે તેઓ બહાર જાય ત્યારે ગાડીમાં બધો સમાન ભરી લે છે અને રસ્તામાં જરૂૂરિયાતમંદને મદદ કરતા જાય છે.સિગ્નલ પર ઉભેલા કિન્નરને પણ તેઓ નાસ્તાના પેકેટ આપે છે.જ્યાં જ્યાં નજર પડે ત્યાં સંગીતાબેનનો હાથ મદદ માટે તૈયાર હોય છે.
સંગીતાબેનનો જન્મ,અભ્યાસ પુના તથા બોમ્બેમાં થયો. અભ્યાસ બાદ રાજકોટના હરેશભાઈ શાહ સાથે લગ્ન થયાં.સંયુક્ત કુટુંબમાં સામાન્ય જિંદગી જીવવા સાથે માતા-પિતાના સંસ્કારરૂૂપ સેવાના કાર્યો કરતા જેમાં પતિનો સંપૂર્ણ સાથ મળતો.માણસના ઋણાનુબંધ ક્યાંથી ક્યાં લઈ જાય છે તેની વાત કરતા સંગીતાબેને જણાવ્યું કે, "એક સમયે 14 વર્ષના નેપાળી યુવાન પ્રેમ સાથે પરિચય થયો હતો બાદમાં સગા દીકરાથી પણ વિશેષ લગાવ થયો જે છેલ્લા પચીસ વર્ષથી સુખ-દુ:ખમાં સાથ નિભાવે છે.કોરોનાની બીજી લહેરમાં પતિએ વિદાય લીધી ત્યારે પુત્રની જવાબદારી અદા કરતા પ્રેમે જ બધી વિધિ પૂર્ણ કરી હતી.તે પણ જીવદયા અને સેવાના કામમાં મારી સાથે ખભેખભા મિલાવી કામ કરે છે. પ્રેમનો પુત્ર પણ મને દાદી કહીને જ બોલાવે છે.પતિના અવસાન સમયે હું ડીપ્રેશનનો શિકાર બની ગઈ હતી. કુટુંબીજનોએ જ્યારે સાથ છોડી દીધો ત્યારે અબોલ જીવોનો જ સાથ હતો.એક સમયે એવું થતું કે માણસ પર વિશ્વાસ કરવા કરતાં આ અબોલ જીવોનો વિશ્વાસ કરવો વધુ સારો”.
મુલાકાત દરમિયાન પણ અનેક વખત ભાવુક બનેલ સંગીતાબેને પતિના અવસાન બાદ બીમાર અને જરૂરિયાતમંદ લોકો માટે એમ્બ્યુલન્સ સેવા શરૂૂ કરી હતી.એક વખત એક મહિલા દાઝી ગઈ અને તેને એમ્બ્યુલન્સની જરૂૂર હતી.પોતે બહારગામ હોવા છતાં એમ્બ્યુલન્સની ગોઠવણ તેમજ પૈસાની મદદ કરી હતી.એક વખત બીમાર નેપાળી યુવતીને પણ એક પૈસો લીધા વગર એમ્બ્યુલન્સમાં નેપાળ પહોંચાડી હતી.દર મહિને પતિના અવસાનની તારીખે તેઓ દાન કરે છે.તેમના સેવા અને સદ્કાર્યોનું લિસ્ટ ઘણું મોટું છે.તેઓ ઝૂંપડપટ્ટીમાં બાળકોને મદદ કરે છે તો મંદ બુદ્ધિના બાળકો પાસે પણ જાય છે.દીકરીઓના સમૂહ લગ્ન હોય કે કેન્સર હોસ્પિટલના દર્દી હોય, સંગીતાબેન હંમેશા સેવા માટે તત્પર રહે છે.
ધર્મે જૈન હોવાથી મુનીસુવ્રતદાદા માં અપાર આસ્થા ધરાવતા તેઓ દેરાસરમાં પ્રતિષ્ઠા પણ કરાવે છે.રાજકોટનો એક પણ ખૂણો એવો નહિ હોય કે જ્યાં તેમની સેવાની મહેંક પહોંચી ન હોય.અનેક સંસ્થાઓ દ્વારા પણ તેઓનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે. કોઈ ટ્રસ્ટ વગર સ્વખર્ચે સેવા કરનાર સંગીતાબેનનું સ્વપ્ન છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતે સ્વસ્થ રહે અને જાતે જ અબોલ જીવોની સેવા કરતા રહે. સંગીતાબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
બિલાડીને કરાવવી છે ફ્લાઇટની મુસાફરી
સંગીતાબેનના ઘરમાં છેલ્લા 8 વર્ષથી એક બિલાડી છે એ પહેલા 13 વર્ષ કૂતરાને રાખ્યો હતો.બિલાડી તો અચાનક જ ઘરમાં આવી ચડી અને અહીં રહેવા માટે રીતસર જીદે ચડી અને સંગીતાબેને તેને અપનાવી લીધી અને સ્વજન જેવો સ્નેહ આપ્યો.આ બિલાડી જેનું નામ સ્વીટુ છે તેના કારણે જ તેઓ ફ્લાઇટમાં જવાનું ટાળે છે અને કારમાં મુસાફરી કરે છે મુસાફરી દરમિયાન પણ બિલાડી તેના ખોળામાં જ બેસી રહે છે.ઘરમાં પણ જ્યારે તેઓ સામાયિક કરે ત્યારે તે પણ સાથે શાંતિથી બેસી જાય છે.પોતાના સ્વજન જેવી આ બિલાડીને ફલાઇટમાં લઈ જવા માટે લાંબી પ્રોસેસ કરવી પડે આમ છતાં તેઓ બધી પ્રોસેસ કરીને પણ બિલાડીને ફલાઇટમાં લઈ જવા ઈચ્છે છે.
અડધી રાત્રે ગાય ડેલી ખખડાવતી
દિવસ હોય કે રાત સંગીતાબેન નો દરવાજો દરેક માટે ખુલ્લો રહે છે. એક ગાભણી ગાય રોજ રાત્રે 12 વાગ્યે ડેલો ખખડાવતી ત્યારે પણ ઊઠીને તેને ખોળ-પાણી આપતા. અત્યારે પણ તેઓ ગાયને ફક્ત લીલું ઘાસ કે ખોળ નહીં પરંતુ કેરી, ટમેટાં, પાલક, ફ્રૂટ ઉપરાંત બુંદીના લાડુ,કાજુકતરી વગેરે ખવડાવે છે તો કૂતરાને પણ દૂધ, રોટલી, બિસ્કિટ સાથે બરી પણ ખવડાવે છે.
Written By: Bhavna Doshi