મનપાની વોકાથોનમાં બહોળી સંખ્યામાં નગરજનો ઉમટ્યા
ચાલવાથી અનેક ફાયદા, મહાપાલિકાનું વોકાથોનનું આયોજન તંદુરસ્ત પ્રથા : મેયર નયનાબેન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-2025ની ઉજવણીના ભાગરૂૂપે આજે સવારે 07:00 કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે, બહુમાળીભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતે વોકાથોનનું આયોજન કરવામાં આવેલ. ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવોના વરદ્દ હસ્તે ફ્લેગ ઓફ કરી, વોકાથોનનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. આજની વોકાથોનમાં બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.
આ વોકાથોનમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ મહાનગરપાલિકામાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, સંગઠનના હોદ્દેદારઓ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના મેમ્બર અને પ્રતિનિધિઓ, UHC-CHCના પ્રતિનિધિઓ અને ખુબ વિશાળ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, આપણા શરીર માટે ચાલવું એ ખુબ જ ફાયદાકારક છે. આપણા શરીરના તમામ અવયવો પગની પાનીથી ચાલુ થાય છે. ચાલવાથી પગની પાનીના અવયવોમાં એક્યુપ્રેશર થાય છે અને શરીરનું લોહી પરિભ્રમણ થાય છે. ચાલવાથી શરીર તંદુરસ્ત રહે છે અને નીરોગી રહી શકાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વોકાથોનનું આયોજન કરવું એ તંદુરસ્તીની પ્રણાલી છે.