ખંભાળિયાના દાંતા ગામમાં ભારે પૂરના કારણે મોટી સંખ્યામાં ઘેટાં-બકરાંનાં મોત
ખંભાળિયા તાલુકામાં તાજેતરમાં નિર્માણ પામેલી અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ દરમ્યાન તાલુકાના દાંતા ગામના ભરવાડ પરિવારોના 39 ઘેટા-બકરાનો મોત થયા હતા. માલધારી પરિવારો માટે આ મુશ્કેલ સમયે સરકાર દ્વારા છ પીડિત પરિવારોને રૂ. 1,56,000 ની સહાય ફાળવવામાં આવી છે.
ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ દાંતા ગામે આવીને તેઓને સહાયના ચેકનું વિતરણ કર્યુ હતું. જેમાં તાલુકા વિકાસ અધિકારી, ગામના વતની અને જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ સરસિયા, સરપંચ જશવંતસિંહ જાડેજા, તલાટી મંત્રી, ગામના આગેવાનો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેબિનેટ મંત્રી મુળુભાઈએ દાંતા ખાતે સેવાભાવી કાર્યકર રાજુભાઈ ભરવાડના નિવાસસ્થાને જઈને ત્યાં તેમણે પરિવારજનો સાથે સહૃદય વાર્તાલાપ કર્યો હતો. ગામ માટેની સંવેદનાથી દાંતા ગામના લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા.આ ઉપરાંત, મુળુભાઈ બેરાએ દાંતા ગામની સરકારી શાળાની કોમ્પ્યુટર લેબ અને વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓની નિહાળી અને શાળાના વિકાસ માટે આગામી વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી. દાંતા ગ્રામ પંચાયત, સમગ્ર ગામજનો અને ભરવાડ સમાજ દ્વારા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનો આભાર વ્યક્ત કરી, આ પ્રયાસને પ્રેરણા સ્રોત અને સમાજ હિત ગણાવ્યું હતું.