જામનગર રોડ ઉપર સાઇટ પર કામ કરતા શ્રમિકનું વીજશોકથી મોત
શહેરમાં જામનગર રોડ ઉપર સાઈડ પર કામ કરતા યુવકનું વીજ શોક લાગતા કરુણ મોત નીપજ્યું હતું શ્રમિક યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ યુપીના વતની અને શાપર નજીક પડવલા ગામે રહેતા અને મજુરી કામ કરતા પ્રદિપ સુભાષભાઈ ચૌહાણ નામનો રર વર્ષનો યુવાન જામનગર હાઈવે પર આવેલ હોટલ પાછળ સાઈટ પર કામ કરતો હતો. ત્યારે કોઈ કારણોસર વીજ કરંટ લાગતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસ મથકના જમાદાર કિર્તીદાન ગઢવી સહિતનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ચાર ભાઈઓમાં ત્રીજા નંબરનો હતો. સાઇટ ઉપર કામ કરતો હતો. ત્યારે અકાળે વિજશોક લાગતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.