ધ્રોલના સુમરા ગામે વીજળી પડતા શ્રમિક દંપતીનું મોત
ખેતરમાં મજુરી કરતા હતા ત્યારે વીજળી ત્રાટકતા ઘટના સ્થળેજ બંન્ને ભડથુ થયા
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે વીજળીએ શ્રમીક દંપતીના ભોગ લીધા છે. ખેત મજૂરી કામ કરી રહેલા પરપ્રાંતીય શ્રમિક દંપત્તિ પર વીજળી પડતાં બંનેના મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી ફેલાઈ છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના સુમરા ગામમાં રહેતા ખેડૂત જયેશભાઈ સવજીભાઈ ઉમરેટીયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક દંપત્તિ રમાબેન મગનભાઈ ભુરીયા (38વર્ષ) અને મગનભાઈ ભુરીયા (40) કે જેઓ સાંજે 7.00 વાગ્યા બાદ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક વરસાદી વીજળી પડતાં પરપ્રાંતિય શ્રમિક દંપત્તિનુ ઘટના સ્થળેજ મોત થયુ હતુ. આ બનાવની જાણ થતાં ધ્રોલ મામલતદાર ની ટીમ તથા ધ્રોલની પોલીસ ટુકડી બનાવના સ્થળે દોડી ગઈ છે, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરવામાં આવી છે.