વિધર્મીએ નામ બદલી પરિણીતાનું અપહરણ કર્યુ, ફરિયાદ નોંધવા પોલીસે પૈસા માગ્યા?
ડીસામાં પૂર્વ ધારાસભ્યના આક્ષેપ બાદ ચાર દિવસે પોલીસ જાગી
ડીસામાં એક પરણીતાને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાની ઘટના બનતા તનાવભરી સ્થિતિ સર્જાઈ છે. ઘટના બાદ પોલીસે પણ ફરિયાદ લેતા સમયે ફરિયાદી પાસેથી નાણાં પડાવ્યા હોવાના ડીસાના પૂર્વ ધારાસભ્યએ આરોપ લગાવ્યા છે. પૂર્વ ધારાસભ્યની દરમ્યાનગીરી બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને સુરત રેલ્વે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો છે.
ડીસા શહેરની એક પરિણીતાને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાનું તેના પરિવારજનોએ ફરિયાદ કરી છે. ડીસાનો પીર મહમંદ નામનો શખ્સ મુકેશ ઠાકોરનું નામ ધારણ કરીને પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ લગ્ન કરવાના ઇરાદે તેને ભગાડી ગયો હતો. આ ઘટનાની જાણ પરણીતાના પરિવારજનોને થતાં તેના પરિવારજનો ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા. પરંતુ ફરજ પરના પોલીસ કર્મચારીએ ફરિયાદ લેવામાં આનાકાની કરી હતી અને બાદમાં રૂૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ પોલીસને રૂૂપિયા આપતા પોલીસે જાણવાજોગ ફરિયાદ લીધી હતી.
આ ઘટનામાં પોલીસે રૂૂપિયા લીધા બાદ પણ ફરિયાદીના જણાવ્યાનુસાર ફરિયાદ લેવાને બદલે માત્ર ગુમ થવાની ફરિયાદ નોંધી હતી.આ સમગ્ર ઘટના બાદ ફરિયાદીએ ડીસાના પૂર્વ ધારાસભ્યનો સંપર્ક કરતાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસની કામગીરીની ટીકા કરી હતી. પૂર્વ ધારાસભ્યની દરમ્યાનગીરીથી પોલીસે પણ તાત્કાલિક હરકતમાં આવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ડીસા પોલીસ દ્વારા આ ઘટનામાં દાખવવામાં આવેલી બેદરકારી અંગે પૂર્વ ધારાસભ્યએ સ્થાનિક પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટરના નામ જોગ ગેરરીતિના આક્ષેપ કરતા કહ્યું કે 4 દિવસથી પોલીસ પાસે પરિણીતાનો પીડિત પતિ રજુઆત કરવા જતો હોવા છતાં પણ પોલીસે ફરિયાદ ન લીધી.
ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઇ કુલદીપ દેસાઈએ ફરિયાદ નોંધવામાં પણ પીડિત પરિવાર પાસેથી પૈસા લીધા હોવાનું મને પીડિત પરિવારે કહ્યું છે. વિધર્મી યુવક મુકેશ ઠાકોર નામનું હિન્દૂ નામ ધારણ કરીને પરિણીતાને ફસાવીને તેને ભગાડી ગયો છે. આ ઘટનામાં ડીસાના પૂર્વ ધારાસભ્યની દરમ્યાનગીરી બાદ ડીસા દક્ષિણ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને એક ટીમને આરોપીને ઝડપી પાડવા માટે સુરત મોકલી હતી. જ્યાં સુરતના ઉધના પાસેથી પોલીસે આરોપી ડીસાનો પીર મહમંદને ઝડપી પાડવામાં આવ્યો છે.