હાર્ટએટેક વધુ એક જિંદગી ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકે ઉપાડો લીધો હોય તેમ દિન પ્રતિદિન બનાવો વધી રહ્યા છે. શહેરમાં વધુ એક બનાવમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા આધેડનું હાર્ટએટેકથી મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતા બાબુભાઇ શંકારજીભાઈ ચૌહાણ નામના 57 વર્ષના આધેડ પોતાના ઘરે હતા. ત્યારે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાબુભાઇ ચૌહાણ પાંચ ભાઈ બે બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.