રાજકોટમાં હાર્ટએટેક વધુ બે જિંદગી ભરખી ગયો
ખોખડદડ નજીક કારખાનામાં નાસ્તો કરીને ઉભેલો શ્રમિક ઢળી પડ્યો: વાછકપર (બેડી) ગામે મહિલાનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવનો પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યુ છે. જીવલેણ બનતો હાર્ટ એટેક અનેક લોકોના જીવ ભરખી રહ્યો છે. ત્યારે રાજકોટમાં હૃદયરોગના હુમલાથી વધુ બે લોકોના મોત નીપજ્યા હતા. જેમાં ખોખડદડ નદી નજીક કારખાનામાં કામ કરતો યુવાન નાસ્તો કરીને ઉભો હતો ત્યારે આચનાક ઢળી પડ્તા તેનું મોત નીપજ્યું હતુ. જ્યારે બીજી ઘટનામાં વાછકપર (બેડી)ગામે રહેતા મહિલાનું હાર્ટ એટેકથી મોત નીપજ્તા બન્ને પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી.
જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા ચોકડી નજીક ખોખડદડ પુલ પાસે આવેલી હરીઓમ સોસાયટી શેરી નં.2માં રહેતો અને ઘર નજીક આવેલા કારખાનામાં કામ કરતો જગદીશ બળવંતરાય અગ્રાવત (ઉ.વ.40)નામનો બાવજી યુવાન આજે સવારે કારખાનામાં હતો ત્યારે નાસતો કરીને ઉભો હતો. ત્યારે અચાનક ઢળી પડતા બેભાન થઇ ગયો હતો. જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યો ફરજ પરના તબીબે તેને મૃત જાહેર ર્ક્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. વધુ તપાસમાં મૃતક જગદીશ ત્રણ ભાઇમાં વચેટ અને અપરિણત હોવાનું જાણવા મળ્યું છે. તબીબોએ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યાનું જાણવ્યું હતુ.
જ્યારે બીજા બનાવમાં ટંકારા તાલુકાના વાછકપર બેડી ગામે રહેતા મિતલબેન કૈલાશભાઈ ડોડીયા (ઉ.36) નામના મહિલા આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે બેભાન થઈ જતાં તેમને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં ત્યાં તેમનું ફરજ પરના તબીબે હાર્ટએટેકથી મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક મિતલબેનના લગ્ન 10 વર્ષ પહેલા થયા હોવાનું અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
બિમારી સબબ મહિલાનું મોત
મવડી નજીક કણકોટ રોડ પર ડ્રીમ સિટી બિલ્ડીંગમાં રહેતા સંગીતાબેન પ્રફુલભાઈ માકડીયા (ઉ.53) નામના પટેલ પ્રૌઢા બિમારી સબબ બેભાન થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું અને સ્નાયુની બિમારી સબબ મોત થયાનું જાણવા મળ્યું છે.