સગા ભાઇ-ભાભીની હત્યાના ગુનામાં સજા કાપતા પાકા કામના કેદીનુંં મોત
વર્ષ 2013માં પારિવારિક ઝઘડામાં બેવડી હત્યા થઇ’તી: આંચકી, ડાયાબિટીસની બીમારીથી મોત નીપજ્યું
શહેરના સામાકાંઠે વર્ષ 2013માં સગા ભાઇ-ભાભીની બેવડી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતા પાકા કામના કેદીનું જિલ્લા જેલમાં બિમારી સબબ મોત નીપજ્યુ હતુ. આ અંગે પોલીેસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ શહેરના સામાકાંઠે રણછોડનગરમાં રહેતા અને હાલ પોપટપરા સેન્ટ્રલ જેલમા: પાકા કામના કેદી તરીકે રહેલા પ્રવિણભાઇ મણીલાલ મણીયાર (ઉ.વ.50)નામના આધેડ ગઇકાલે જેલમાં હતા ત્યારે આંચકી આવતા અને ડાયાબિટીશની બિમારી સબબ તેમની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનુ ફોરેન્સીક પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક પ્રવિણભાઇ પાંચ ભાઇ છ બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. તેઓ સામાકાંઠે પેડક રોડ પર આવેલા રણછોડનગરમાં પરિવાર સાથે રહેતા હતા. વર્ષ 2013માં પારિવારીક ઝઘડામાં આરોપી પ્રવિણભાઇએ તેના નાનાભાઇ હરેશ મણીલાલ અને ભાભી પૂજાબેનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. બેવડી હત્યાના ગુનામાં અદાલત દ્વારા આરોપી પ્રવિણભાઇ મણીયારને તક્સીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી. જેથી તેઓ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા હતા .દરમિયાન બિમારી સબબ તેમનું મૃત્યુ નીપજ્યુ હતુ. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.