જેતપુરમાં વકીલના ઘરમાં ઘૂસી રીઢા ગુનેગારે સ્કૂટરમાં આગ ચાંપી દીધી
- જૂની અદાવતમાં ભરેલું પગલું, વકીલોમાં રોષ
જેતપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેતપુર વિસ્તારમાં રહેતા એક વકીલના મકાનમાં આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા પાડોશીના મકાનમાંથી વકીલના મકાનમાં ઘૂસીને પાર્ક કરેલ એક્ટિવાને આગ ચાંપવામાં આવી હતી. ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના વાયરો પણ તોડી નાખ્યા હતા. આ મામલે જેતપુર સિટી પોલીસે રાજા અંસારી નામના શખ્સની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુર વકીલ મેહુલ પંડ્યા પરિવાર સાથે રહે છે. દરમિયાન, રાજા અંસારી નામના શખ્સ દ્વારા વકીલ મેહુલ પંડ્યાના મકાનમાં આગ ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માહિતી મુજબ, જૂની અદાવતનો ખાર રાખીને રાજા અંસારીએ આ કૃત્ય કર્યું હતું. મેહુલ પંડ્યાના મકાનની બાજુના મકાનમાંથી રાજા અંસારી વકીલના ઘરમાં ઘૂસ્યો હતો અને પાર્ક કરેલી એક્ટિવાને પેટ્રોલ છાંટીને સળગાવ્યું હતું. તેણે ઈઈઝટ કેમેરાના વાયરો પણ કટ કરી નાખ્યા હતા. આગના બનાવ પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.આ મામલે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે આરોપી રાજા અંસારીની અટકાયત કરી છે. એડવોકેટનું ઘર સળગાવવાનો પ્રયાસ કરતા વકીલ મંડળ મેહુલ પંડ્યાના ઘરે પહોંચ્યું હતું. માહિતી મુજબ, રાજા અંસારી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અગાઉ પણ અનેક ગુનામાં તેનું નામ પોલીસ ચોપડે નોંધાયેલું છે. વિસ્તારમાં રાજા અંસારીનો ખૂબ જ ત્રાસ હોવાની સ્થાનિકો દ્વારા પણ અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે.